Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કોંગ્રેસે વોટ બેંકના રાજકારણ માટે આરક્ષણનો ઉપયોગ કર્યો : અમિતભાઇ

કર્ણાટકમાં ૧૦૩ ફુટ ઊંચા તિરંગાને લહેરાવતા ગૃહમંત્રી

બેંગલુરૂ તા. ૨૭ : અમિતભાઇ એક દિવસીય કર્ણાટકના પ્રવાસ દરમિયાન ત્‍યાં તેમણે બીદર જિલ્લાના ગોરતા ગામમાં ૧૦૩ ફુટ ઊંચો તિરંગો લહેરાવ્‍યો હતો. સાથે જ તેમણે રાયચૂરમાં અલગ-અલગ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું અને ચૂંટણી રેલીને સંબોધન પણ કર્યું હતું.

ચૂંટણી સભાને સંબોધતા અમિતભાઇએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા જણાવેલ કે, કોંગ્રેસ દ્વારા અલ્‍પસંખ્‍યકોને દેવામાં આવેલ આરક્ષણ બંધારણ અનુસાર ન હતું. ધર્મના આધારે આરક્ષણ દેવાનું બંધારણમાં કોઇ પ્રાવધાન નથી.

કર્ણાટક સરકારે મુસલમાનો માટે ૪ ટકા ઓબીસી આરક્ષણને સમાપ્‍ત કરી દીધું અને તેને બે પ્રમુખ સમુદાયો વીરશૈવ લીંગાયત તથા વોક્કાલીગામાં પરિવર્તીત કર્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની પૂર્વ સરકારોએ રાજ્‍યમાં મુસ્‍લિમોને આરક્ષણ આપ્‍યું હતું. પણ ભાજપે મુસલમાનો માટેના ૪ ટકા આરક્ષણને આર્થિક રૂપે નબળા (ઇડબલ્‍યુએસ) શ્રેણીમાં સ્‍થાનાંતરીત કર્યું છે.

ઉપરાંત તેમણે જણાવેલ કે, કોંગ્રેસ સરકારે પોતાની ધ્રુવીકરણની રાજનીતિના લીધે અલ્‍પસંખ્‍યકોને આરક્ષણ આપ્‍યું. પણ ભાજપે તે આરક્ષણને ખતમ કરી વોક્કાલીગા અને લીંગાયત સમુદાયોને આરક્ષણ પ્રદાન કર્યું છે. હૈદ્રાબાદને આઝાદી અપાવનાર લોકોને કોંગ્રેસે કદી યાદ નથી કર્યા. તેમણે તો બસ વોટ બેંકની રાજનીતિ ઉપર જ કામ કર્યું છે. સરદાર પટેલ ન હોત તો હૈદ્રાબાદને ક્‍યારેય આઝાદી ન મળી હોત.

(3:34 pm IST)