Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

પેટીએમ મોલ અને સ્નેપડીલને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો: ખરાબ પ્રેશર કૂકર વેચવાનો આરોપ

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈ-કોમર્સ કંપની પેટીએમ મોલ અને સ્નેપડીલ પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો :CCPAએ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પરત કરવાનો આદેશ આપ્યો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઈ-કોમર્સ કંપની પેટીએમ મોલ અને સ્નેપડીલ પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સીસીપીએ એ બંને કંપનીઓમાંથી વેચાયેલ માલ પાછો ખેંચી લેવા તેમજ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે, ધોરણ વગરના પ્રેશર કુકરનું વેચાણ કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. બે અલગ-અલગ ઓર્ડરમાં, CCPAએ Paytm E-commerce Pvt Ltd  અને Snapdeal Pvt Ltd ને ખામીયુક્ત પ્રેશર કૂકર વેચવા બદલ દોષિત ઠેરવ્યા છે.

CCPAએ શોધી કાઢ્યું કે આ પ્રેશર કુકર્સ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ધોરણોને અનુરૂપ ન હતા અને ડોમેસ્ટિક પ્રેશર કુકર્સ (ક્વોલિટી કંટ્રોલ) ઓર્ડર-2020 (QCO) નું પાલન પણ કરતા ન હતા.

 

Paytm મોલે તેના પ્લેટફોર્મ પર પ્રિસ્ટીન અને ક્યુબન પ્રેશર કૂકર વેચાણ માટે મૂક્યા છે, તેમ છતાં ઉત્પાદન વર્ણન સ્પષ્ટપણે જણાવે છે કે તેની પાસે ISI માર્ક નથી. CCPA એ તેના 25 માર્ચના આદેશમાં પેટીએમ મોલને તેના પ્લેટફોર્મ પર વેચાયેલા 39 પ્રેશર કૂકરના તમામ ગ્રાહકોને જાણ કરવા, પ્રેશર કૂકર પરત લેવા અને ગ્રાહકોને તેમની કિંમતો પરત કરવા જણાવ્યું છે. આ સિવાય 45 દિવસની અંદર આ સંબંધમાં તેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

સરકાર ગત વર્ષે નવેમ્બરથી ખામીયુક્ત પ્રેશર કુકર સામે કાર્યવાહી કરી રહી છે. નવેમ્બરમાં પણ, ફરજિયાત BIS ધોરણોનું ઉલ્લંઘન કરતા પ્રેશર કૂકર વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઈ-કોમર્સ કંપનીઓમાં Amazon, Flipkart, Snapdeal, ShopClues અને Paytm મોલનો સમાવેશ થાય છે.

નિવેદનમાં જણાવાયું છે કે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત ગુણવત્તા નિયંત્રણ આદેશનું ઉલ્લંઘન કરતી નકલી વસ્તુઓના વેચાણને રોકવા માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ સંદર્ભમાં, CCPA એ પહેલાથી જ દેશભરના જિલ્લા મેજિસ્ટ્રેટને અન્યાયી વેપાર વ્યવહારો અને આવા માલના ઉત્પાદન અથવા વેચાણ સંબંધિત ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

(9:28 pm IST)