Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પ્રથમ ટી -20માં ભારતનો 21 રનથી ન્યુઝીલેન્ડ સામે સામે પરાજય :વોશિંગ્ટન સુંદરની લડાયક અડધી સદી

ઓપનરો ફ્લોપ રહ્યા બાદ વોશિંગ્ટનનો ‘સુંદર’ સંઘર્ષ :સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન ફટકાર્યા :177 રનના ટાર્ગેટ સામે ભારતે 9 વિકેટ ગુમાવીને 155 રન નોંધાવ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં સિરીઝની પ્રથમ T20 મેચ રમાઈ હતી. રાંચીમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ ભારતે 21 રનથી ગુમાવી હતી. ટોસ જીતીને ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્શાન પર 176 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતને 20 ઓવરની નિર્ધારીત ઓવરમાં 177 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જોકે ભારતની શરુઆત ખરાબ રહી હતી. ભારતીય બેટ્સમેનોએ એક બાદ એક સમયાંતરે વિકેટો ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદરે તોફાની અડધી સદી નોંધાવી હતી.

ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. માત્ર 15 રનના સ્કોર પર જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં સૂર્યકુમાર યાદવ અને સુકાની હાર્દિક પંડ્યાએ રમતને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે સૂર્યાની વિકેટ સાથે ફરી ભારતની મુશ્કેલીઓ શરુ થઈ ગઈ હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન નોંધાવ્યા હતા.

જયારે સ્ટાર બેટ્સમેનોએ વિકેટો ગુમાવી દીધી ત્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે શાનદાર રમત દર્શાવી હતી. સુંદરે તોફાની અડધી સદીનોંધાવી હતી. સુંદરે 25 બોલમાં જ 50 રન પુરા કર્યા હતા. તેણે અણનમ તોફાની રમત દર્શાવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન નોંધાવતા તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત માટે રાંચીમાં પ્રથમ વખત હારનો ખતરો તોળાયો હતો અને તેને ટાળવા માટે વોશિંગ્ટને સુંદર પ્રયાસ કર્યો હતો. આ પહેલા સૂર્યકુમારે ભારત તરફથી સારો પ્રયાસ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડી માત્ર 10 જ રન સુધી ટકી શકી હતી. ઈશાન કિશન ઈનીંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે માત્ર 4 રન 5 બોલનો સામનો કરીને નોંધાવી બોલ્ડ થઈ પરત ફર્યો હતો. ત્યાર બાદ 11 રનના સ્કોર પર ત્રીજી ઓવરના ચોથા બોલ પર રાહુલ ત્રિપાઠીએ વિકેટ ગુમાવી હતી. તે 6 બોલનો સામનો કરીને શૂન્ય રન સાથે પરત ફર્યો હતો. શુભમન ગિલ 6 બોલમાં 7 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ માત્ર 15 રનના સ્કોર પર જ ભારતે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. જોકે ઈશ સોઢીના બોલ પર તે ફિન એલેનના હાથમાં કેચ ઝડપાયો હતો. સૂર્યાના બાદ ભારતની સ્થિતી મુશ્કેલ બની હતી. સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. તે બ્રેસવેલનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 10 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. શિવમ માવીએ 2 રન અને કુલદીપ યાદવ શૂન્ય રન આઉટ થયો હતો.

(11:05 pm IST)