Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સાઉદી અરેબિયાના દમામ શહેરમાં આવેલી ભારતીય સ્‍કૂલમાં કડકડતી ઠંડી અને વરસાદી માહોલ વચ્‍ચે ગણતંત્ર દિવસની ઉજવણી : ગુજરાતની ઝાંખીનો દબદબો છવાયો

દમામ (સાઉદી અરેબિયા) : અખાતના દેશ સાઉદી અરેબિયાના ઇસ્‍ટર્ન પ્રોવિન્‍સમાં આવેલા દમામ શહેરમાં ભારતીય દૂતાવાસ સંચાલિત ઇન્‍ટરનેશનલ ઇન્‍ડિયન સ્‍કૂલ - દમામમાં ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૩, ગુરૂવારના રોજ સવારે કાતિલ ઠંડી હવા અને વરસાદી માહોલ વચ્‍ચે પણ ભારતના ૭૪ મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

સ્‍કૂલ મેનેજમેન્‍ટ, પ્રિન્‍સિપાલ શ્રીમતી મહેનાઝ ફરીદ, સ્‍કૂલ સ્‍ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં સવારે ૮ વાગે ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ શરૂ થયો. સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમિટીના ચેરમેન શ્રી મૌઝમ દાદનએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહી ધ્‍વજવંદન કરાવ્‍યું હોવાનું આરતીબેન પરીખ (ખોબર, સાઉદી અરેબીયા) જણાવે છે.

આ વર્ષે ભારતના ૧૦ રાજયોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતની ઝાંખીમાં એકતાના પ્રતીક સમાન સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ, કલા અને સાંસ્‍કૃતિક વારસાની ઝલક આપતા કચ્‍છ તથા મીઠાના સફેદ રણ અને કુદરતની ખોળામાં ખેલતી વન્‍યસૃષ્ટિની સોડમ ફેલાવતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને દર્શાવવામાં આવ્‍યાં હતાં.

ઝાંખીની શરૂઆતમાં લગાવેલા ૧૧ ભાષામાં લખવામાં આવેલા ‘ગુજરાત'ના બેનરે સૌનું ધ્‍યાન આકર્ષિત કરી વાહવાહી મેળવી. આ સાથે અન્‍ય બેનર્સમાં ગુજરાતની હસ્‍તકલા, વિશ્વકક્ષાએ નામના મેળવેલાં સ્‍મારકો, પતંગોથી રંગબેરંગી બનેલું આકાશ પણ દર્શાવવામાં આવ્‍યું. ઝાંખીની સાથે સાથે ગુજરાતી વિદ્યાર્થીઓએ સંગીતના તાલે સહુને ઝુમતા કરે તેવું જોશીલું ગરબા પરફોર્મન્‍સ પણ આપ્‍યું.

આજની વિશેષ ઉજવણીમાં ગુજરાત રાજય ઉપરાંત બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્‍થાન, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી. જેને ઉપસ્‍થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્‍સાહપૂર્વક માણી.

આ દરમિયાન જોરદાર વરસાદ ચાલુ થતાં બાકીનો કાર્યક્રમ સ્‍કૂલના સાંસ્‍કૃતિક હોલમાં ઉજવવામાં આવ્‍યો.

ઉલ્લેખનીય છે કે, આઇ.આઇ.એસ.ડી. ભારતની બહાર ભારતીય દૂતાવાસ દ્વારા સંચાલિત એશિયાની સૌથી મોટી સ્‍કૂલ છે. વર્તમાન સમયમાં તેમાં કેજીથી લઇને ધોરણ ૧૨ સુધીમાં અંદાજે  ૧૪,૩૦૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે.

ભારતીબેન પરીખ જણાવે છે કે, આ સ્‍કૂલમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્‍યા અંદાજે ૨ ટકા જેટલી જ છે. આમ છતાં, દેશના ગર્વ અને દેશભક્‍તિના જોશ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ‘દમામ-ખોબર ગુજરાતી સમાજ'ની સહભાગિતાથી માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં શાનદાર ઝાંખી તૈયાર કરવામાં આવી. એમ કહી શકાય કે, ગુજરાતની ઝાંખી થકી સાઉદીમાં રહેતી ગુજ્જુ ગૃહિણીઓએ તેમનામાં છૂપી કલાત્‍મકતાની ઝાંખી પ્રદર્શિત કરી.

(3:15 pm IST)