Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ઈરાનમાં 'ઈંધણ સંકટ' : પેટ્રોલ પંપ પર હેકર્સે કર્યો સાયબર હુમલો : વાહનોની લાગી લાંબી કતારો

ઈંધણ સબસિડીનું સંચાલન કરતી સરકારી સિસ્ટમ બંધ થઈ ગઈ

ઈરાનમાં  પેટ્રોલ પંપ પર મંગળવારે સાયબર એટેકનો સામનો કરવો પડ્યો હતો. આના કારણે ઈંધણ સબસિડીનું સંચાલન કરતી સરકારી સિસ્ટમ બંધ થઈ ગઈ. તે જ સમયે, લોકો બંધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યા હતા. અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. જો કે એક મહિના પહેલા પણ આવો જ હુમલો થયો હતો. તેને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સામે સીધા પડકાર તરીકે જોવામાં આવતું હતું. અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક અનામી અધિકારીને ટાંકીને દેશના સરકારી ટેલિવિઝનએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે. પેટ્રોલ પંપ બંધ થવાને કારણે તેહરાનમાં કારની લાંબી લાઈનો જોવા મળી હતી. સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે, તેલ મંત્રાલયના અધિકારીઓ ટેકનિકલ સમસ્યાને ઉકેલવા માટે ઈમરજન્સી બેઠક યોજી રહ્યા છે. ISNA ન્યૂઝ એજન્સીએ સૌપ્રથમ સાયબર હુમલાની જાણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે લોકો સરકાર દ્વારા જારી કરાયેલ કાર્ડ સાથે મશીનો દ્વારા ઇંધણ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓએ સ્ક્રીન પર ‘સાયબરટેક 64411’ સંદેશ જોયો.

હકીકતમાં મોટાભાગના ઈરાનીઓ સબસિડીવાળા ઈંધણ પર આધાર રાખે છે. ખાસ કરીને દેશની આર્થિક સ્થિતિને કારણે આ વધુ મહત્વનું બની જાય છે. ISNAએ આ નંબરના મહત્વ વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ નંબરો ખામેનીની ઓફિસમાંથી ચાલતી હોટલાઇન સાથે જોડાયેલા છે જે ઇસ્લામિક કાયદા વિશેના પ્રશ્નોના જવાબ આપે છે. જોકે, ISNAએ પાછળથી તેનો રિપોર્ટ હટાવી લીધો અને દાવો કર્યો કે, તેની વેબસાઈટ પણ હેક થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, હેકિંગના આવા દાવાઓ ત્યારે જ જોવા મળે છે જ્યારે ઈરાની આઉટલેટ્સ સરકારને પડકાર ફેંકતા આવા સમાચાર પ્રકાશિત કરે છે.

(10:47 pm IST)