Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સ્મૃતિ ઇરાની ગુજરાતમાં જે આંગણવાડીની મુલાકાત લેવાના હતા ત્યાંથી જ મળી આવ્યો સડેલા અનાજનો જથ્થો

સ્મૃતિ ઇરાનીના ધ્યાનમાં આવતા જ સત્તાધીશોને ૨૪ કલાકમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવા આદેશ

અમદાવાદ તા. ૨૬ : ટેકસટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની જયારે ગુજરાતના નર્મદા જિલ્લાના કોઠી ગામની સરકારી શાળાની મુલાકાતે આવ્યા ત્યારે તેમને કલ્પના પણ નહતી કે શાળાના બાળકો સાથે આવુ કરાતુ હશે. બાળકોને મધ્યાહ્ન ભોજનમાં પીરસવા માટે એક કોથળો ભરીને સડેલા ચણા મળી આવ્યા હતા. જયારે સ્મૃતિ ઈરાનીના ધ્યાનમાં આ બાબત આવી ત્યારે તેણે સ્થાનિક સત્તાધીશોને ૨૪ કલાકમાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો.

સ્મૃતિ ઈરાની આયુષ્માન ભારત સ્કીમ લોન્ચ કરવા માટે બે દિવસ ગુજરાતની મુલાકાતે હતા. આ ઉપરાંત ગર્ભવતી  સ્ત્રીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડવાની સ્કીમનું પણ તેમણે ઉદઘાટન કર્યું. ગુજરાતની વિઝિટ દરમિયાન તે નર્મદા જિલ્લાના કોઠી ગામની શાળાની મુલાકાત પણ લેવાના હતા. અહીં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો અને ગર્ભવતી  સ્ત્રીઓને પોષણક્ષમ અનાજ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંત્રી આવે તેના એક જ કલાક પહેલા સ્થાનિકોએ બાળકો માટે મધ્યાહન ભોજન બનાવતા કાર્યકરને કીડા પડી ગયેલા ચણાના કોથળા સાથે પકડ્યો હતો. નવાઈની વાત તો એ છે કે તે આ ચણા સ્વાસ્થ્ય માટે સારા ન હોવાનું જાણતો હોવા છતાંય તેણે આમાંથી એક વાર તો છોલે બનાવી પણ દીધા હતા.

ઈરાની શાળામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ તેને આ ઘટના અંગે જાણ કરી. ઘટનાની ગંભીરતા જોઈને ઈરાનીએ જિલ્લાના કલેકટરને ઈન્કવાયરી કરીને ૨૪ કલાકમાં તાબડતોબ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો છે. કલેકટર આર.એસ નિનામાએ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહતા. ઘટનાસ્થળે ઉપસ્થિત ભાજપના એમ.પી મનસુખ વસાવા પણ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહતા. એવું જાણવા મળ્યું છે કે વસાવાએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે તે એડમિનિસ્ટ્રેશનને બદનામ કરવાની એક ચાલ છે. આ માટે રાજય સરકારને જવાબદાર ઠેરવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું, 'તમે સડેલા ચણાની વાત કરો છો પણ વડાપ્રધાન મોદીના રાજમાં તો આખા દેશનો વહીવટ ખાડે ગયો છે. વચેટિયાઓ મલાઈ ખાઈ જાય છે જયારે બાળકો માટે માત્ર સડેલુ ભોજન રહી જાય છે.'

(4:32 pm IST)