Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગાયિકા અનુરાધા પૌડવાલ સાથે બિલ્ડરે કરી ઠગાઇ : ફરિયાદ

અર્નાલા બીચ પાસે સસ્તા ફલેટની લાલચ આપી બિલ્ડરે એક જ ફલેટ સંખ્યાબંધ લોકોને વેચી આચરી ઠગાઇ

મુંબઇ તા. ૨૬ : સસ્તુ મેળવવાની લ્હાયમાં કેટલીક વખત લોકોને લેવાના દેવા થઈ જાય છે. જાણીતી ગાયિકા અનુરાધા પૌડવાલ પણ આ જ પ્રકારની સ્થિતિમાં ફસાઈ ગયા છે. મુંબઈમાં વિરાર ખાતે અર્નાલા બીચ નજીક સસ્તા ફલેટની લાલચ આપી એક જ ફલેટ સંખ્યાબંધ લોકોને વેચીને ઠગાઈ આચરવા બદલ પોલીસે સાત બિલ્ડરની ધરપકડ કરી છે. સસ્તામાં ફલેટ લેવાના ચક્કરમાં બિલ્ડરની છેતરપિંડીનો ભોગ અનુરાધા પૌડવાલ પણ બન્યા છે.

પોલીસે ધરપકડ કરેલા બિલ્ડર પૈકી બેની ઓળખ રાજુ સુલેરે અને અવિનાશ ધોલે તરીકે થઈ છે. આ ઉપરાંત પાંચ અન્ય ભાગીદારોની પણ પોલીસે ધરપકડ કરી છે. આ તમામ બિલ્ડર્સ વિરારના બોલિંજમાં ઓમ મંદાર રિયલેટર્સ નામની કંપનીમાં પાર્ટનર છે.

વિરારના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ જયંત બાજબલેએ જણાવ્યા મુજબ બિલ્ડર્સે અર્નાલા બીચ પર સસ્તા ભાવે ફલેટ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સુપ્રસિદ્ઘ ગાયિકા અનુરાધા પૌડવાલ પણ આમાં ભોગ બન્યા હોવાનું ખુલ્યું હતું. 

રોકાણકારોએ નારંગી વિસ્તાર ખાતે મંદાર એવન્યુના F1 ગ્રૂપમાં ફલેટ બૂક કરાવ્યો હતો. તમામ રોકાણકારોને લકઝયુરિયસ સુવિધા જેમ કે સ્વિમિંગ પુલ, જીમ, પાર્ક સહિત અન્ય કેટલીક અદ્યતન સુવિધાઓના વાયદા આપવામાં આવ્યા હતા.

બિલ્ડરે વેચાણ કરારમાં છબરડા કરીને બોગસ કાગળિયા દ્વારા એક જ ફલેટ સંખ્યાબંધ રોકાણકારોને વેચ્યો હતો અને લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી.

આ અંગે ગાયિકા અનુરાધા પૌડવાલે જણાવ્યું કે, 'મે અહીં રોકાણના હેતુથી ફલેટ બુક કરાવ્યો હતો. ૨૦૧૩માં બે ફલેટ બુક કરાવ્યા હતા, પરંતુ બિલ્ડરે મારી સાછે ઠગાઈ કરી હતી. આ અંગે અર્નાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.'

દરમિયાન ઠગાઈનો ભોગ બનનાર અન્ય રોકાણકારઓ ફેમિદા નસીમ અહમદે પણ ફરિયાદ કરી હતી, 'અમે બિલ્ડર્સ વિરુદ્ઘ કલમ ૪૨૦ હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે, આ ઉપરાંત મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝિટર્સ એકટ, ૧૯૯૯ની કલમ ૩, ૪ હેઠળ ગુનો નોંધ્યો છે,' તેમ બાજબલેએ જણાવ્યું હતું.

(4:32 pm IST)