Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આયકરને રૂ.૫ કરોડનો રોકડ દલ્લો મળ્યો : લોકર્સ ઉપર તપાસ

ડેકોરા ગ્રુપ, ઓમ ગ્રુપ, પટેલ ડેવલોપર્સ અને ફાયનાન્સ પેઢી ઉપર પડેલા દરોડામાં

રાજકોટ, તા. ૨૬ : આવકવેરા વિભાગે આજે રાજકોટના ત્રણ ટોચના બિલ્ડર્સ અને ફાયનાન્સર પેઢી ઉપર મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી પ્રાથમિક તપાસમાં આયકર વિભાગને રૂ.૫ કરોડની રોકડ મળી હોવાનું જાણવા મળે છે. આ રોકડ રકમ હિસાબી કે બિનહિસાબી તેનો સત્તાવાર ખુલાસો થયો નથી.

આજે વ્હેલી સવારથી રાજકોટ ઈન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશન વીંગના જોઈન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, આસી. ડાયરેકટર પ્રદિપ સદાવત, આર. કે. ડૈયા અને બી. એમ. ડાંગરના માર્ગદર્શન તળે ડેકોરા બિલ્ડર્સ ગ્રુપ, ઓમ બિલ્ડર્સ, પટેલ ડેવલોપર્સ, સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન  ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સ ઉપર અમદાવાદ, વડોદરા, સુરતના ચુનંદા અધિકારીઓનો કાફલો ૪૪ સ્થળોએ તપાસમાં લાગ્યો હતો.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ ૪૪ સ્થળોમાંથી આયકર વિભાગને અંદાજીત ૫ કરોડની રોકડ રકમ હાથ લાગી હોવાનું જાણવા મળે છે. ઉપરોકત પેઢીના બેન્ક લોકર્સ ઉપર હવે આયકર અધિકારીઓએ તપાસ કેન્દ્રીત કરી છે.

(4:12 pm IST)