Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સોનિયા ગાંધી જેના ચેરપર્સન છે તે જવાહરલાલ નહેરૂ મેમોરીયલ ફંડને તીન મૂર્તિ ભવનમાંથી હટાવવાની તૈયારીમાં મોદી સરકાર

નોટીસ મોકલી... ૧૯૬૭થી ફંડની ઓફિસ તીન મૂર્તિ ભવનમાં બેસે છે

નવી દિલ્હી, તા. ૨૬ :. તીન મૂર્તિ ભવનમાં છેલ્લા પાંચ દાયકાથી ચાલી રહેલા જવાહરલાલ નહેરૂ મેમોરીયલ ફંડને ત્યાંથી હટી જવા શહેરી વિકાસ મંત્રાલયે નોટીસ ફટકારી છે. નોટીસમાં ૨૪ સપ્ટેમ્બરની તારીખ છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ બારામાં નહેરૂ ફંડ તરફથી અન્ય કોઈ જવાબ નથી મળ્યો અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ફંડના ચેરપર્સન સોનિયા ગાંધી છે.

જવાહરલાલ નહેરૂ મેમોરીયલ ફંડની સ્થાપના ૧૯૬૪માં કરવામાં આવી હતી અને ૧૯૬૭થી તેમની ઓફિસ તિન મૂર્તિ ભવનમાં ચાલે છે. આ વર્ષે જૂનમાં નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરીએ જગ્યાની અછતનો મુદ્દો ઉઠાવી ત્યાંથી મેમોરીયલ ફંડને હટી જવાની વાત જણાવી હતી. શહેરી વિકાસ મંત્રાલયે તે પછી ૧૧ સપ્ટેમ્બરે ફંડને નોટીસ જારી કરી હતી.

ફંડના પ્રશાસક શકિત સિંહાનું કહેવુ છે કે અમે સંમત નથી. રાજકીય વિશ્લેષક અને ફંડના ન્યાસી જોયા હસનનુ કહેવુ છે કે, ખાલી કરવા અંગેની નોટીસ નહેરૂની ધરોહરને નબળુ પાડવાનો ભાગ છે. તેમણે કહ્યુ છે કે, મંત્રાલયને જવાબ મોકલાયો છે અને જણાવાયુ છે કે ગેરકાનૂની કબ્જો નથી. આ સંગઠન ૫૦ વર્ષથી ચાલે છે અને કોઈએ તેની કાયદેસરતા પર સવાલ નથી ઉઠાવ્યાં.  અત્રે નોંધનીય છે કે ગાંધીજીની હત્યા બાદ નહેરૂ તિન મૂર્તિ ભવનમાં શિફટ થયા હતા અને મૃત્યુ સુધી ત્યાં જ હતા. તેમના નિધન બાદ તેને નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરીમાં તબદીલ કરવામાં આવેલ. જ્યાં નહેરૂની યાદગાર ચીજો રાખવામાં આવી છે. તિન મૂર્તિ ભવનના જ એક ભાગમાં નહેરૂ મેમોરીયલ ફંડ નામનુ એક ટ્રસ્ટ ચાલે છે જે હેઠળ અનેક ફેલોશીપ અને સ્કોલરશીપ આપવામાં આવે છે.

(11:45 am IST)