Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ૩૭૮ રસ્‍તાઓ બંધ કરી દેવાયાઃ અનેક જીલ્લામાં શાળા-કોલેજોમાં રજાઃ ફરવા જવાનો પ્લાન હોય તો થોડો સમય બ્રેક મારજો

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તાર હોવાને કારણે અહીં વરસાદની અસર વધારે જોવા મળી રહી છે. સોમવારના રોજ ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં લગભગ 378 રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમાંથી 213 રોડ એકલા શિમલામાં હતા. લેન્ડસ્લાઈડને કારણે આ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

જો તમે આગામી થોડાક સમયમાં હિમાચલ પ્રદેશના કોઈ પણ શહેરમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો અત્યારે થોડા સમય માટે ટાળી દો, કારણકે લેન્ડસ્લાઈડ અને ભારે વરસાદને કારણે તમે ટ્રિપ દરમિયાન હેરાન થઈ જશો.

હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર સુધી શિમલા અને મનાલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેશે. પાછલા થોડાક દિવસમાં સતત ચાલી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ લેન્ડસ્લાઈડની ઘટનાઓ બની અને તેના કારણે રસ્તા બંધ કરવા પડ્યો. સોમવારે શિમલાના 213, મંડી ઝોનના 49 અને કાંગડા ઝોનના 86 રસ્તા બંધ કરવા પડ્યા. નૈના દેવી રોડ પણ લેન્ડસ્લાઈડને કારણે બંધ છે.

લેન્ડ સ્લાઈડને કારણે હેરિટેજ સાઈટ શિમલા-કાલકા ટૉય ટ્રેન પણ બંધ કરવામાં આવી છે. બ્યાસ અને રાવી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે પણ હિમાચલના અનેક જિલ્લામાં સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી છે.

અત્યારે આખા રાજ્યના કોઈ પણ સ્થળની ટ્રિપ ટાળવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ શિમલા, મનાલી અને ધાર્મિક સ્થળો જેમ કે નૈના દેવી વરસાદથી વધારે પ્રભાવિત છે. માટે અહીં જવાનો પ્લાન હમણાં કેન્સલ કરો અને વરસાદ રોકાય અને હવામાનની સ્થિતિ સુધરે પછીની યોજના બનાવો.

(4:50 pm IST)