Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગમાં FDI નિયમને હળવા કરાશે

ડિજિટલ મિડિયા સહિતના ક્ષેત્રોમાં નિયમ હળવાઃ કોલસા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અંગે વિચારણા થશે

નવી દિલ્હી, તા. ૨૬: વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષિત કરવા માટે સરકાર ટૂંક સમયમાં સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગને ડિજિટલ મિડિયા સહિત કેટલાક સેક્ટરમાં વિદેશી સીધા મૂડીરોકાણના ધારાધોરણને હળવા કરી શકે છે. અન્ય સેક્ટરો જેમાં એફડીઆઈ નિયમોને હળવા કરવામાં આવનાર છે તેમાં કોલસા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી માટે આ મુદ્દા ઉપર ટૂંક સમયમાં જ વિચારણા કરાશે. સરકાર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપી શકે છે. પ્રવર્તમાન વિદેશી મૂડીરોકાણ પોલિસીમાં ૧૦૦ ટકા વિદેશી સીધા મૂડીરોકાણને ઓટોમેટિક રુટ હેઠળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંજુરી આપી છે.

મેન્યુફેક્ચર હોલસેલ અને રિટેલ ચેનલ મારફતે ભારતમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેચાણ કરવા મંજુર થયેલા છે જેમાં ઇ-કોમર્સ મારફતે હોલસેલ અને રિટેલ ચેનલથી પોતાની પ્રોડક્ટ વેચી શકે છે પરંતુ પોલિસીમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અંગે કોઇ વાત કરવામાં આવી નથી. પોલિસીમાં તેની કોઇ પરિભાષા દર્શાવવામાં આવી નથી. વિશ્વભરની મોટી ટેકનોલોજી કંપનીઓ આવી રહી છે જેથી આ મામલામાં સ્પષ્ટીકરણની જરૂર દેખાઈ રહી છે. આવી જ રીતે સરકાર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ડિજિટલ મિડિયા સેક્ટર અંગે પણ લાગૂ કરવા માટે યોજના ધરાવે છે. હાલમાં જે એફડીઆઈ પોલિસી છે તેમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ મિડિયા સેગ્મેન્ટ માટે કોઇ વાત કરવામાં આવી નથી. પ્રિન્ટ મિડિયા સેક્ટરમાં ૨૬ ટકા એફડીઆઈને સરકારી મંજુરી રુટથી મંજુરી મળેલી છે. આવી જ રીતે ૪૯ ટકા એફડીઆઈ સરકારી મંજુરીના રુટ મારફતે કન્ટેઇન સર્વિસમાં મંજુર કરાઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં કેબિનેટ દ્વારા નિયમોને હળવા કરવાની હિલચાલ ચાલી રહી છે.

(7:49 pm IST)