Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જૈન સમાજના સૌથી પવિત્ર તહેવાર મહાપર્વ પર્વાધિરાજ મહાપર્યુષણનો આજથી આરંભ : શ્વેતામ્બર શાખા ભાવકો 8 દિવસ સુધી અને દિગમ્બર શાખાના ભાવકો 10 દિવસ સુધી આ મહાપર્વની ઉજવણી કરશે : ઋષી પંચમીના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવશે

ખામેમિ સચ્ચે જીવા, સચ્ચે જીવા ખમંતુ મે. મિત્તિમે સચ્ચ ભુએસ વૈરં મમઝ ન કેણઈ...

રાજકોટ : જૈન સમાજનો સૌથી પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ આજે, એટલે કે સોમવારથી શરૂ થયો છે. જૈનોની શ્વેતામ્બર શાખાના અનુયાયીઓ આગામી 8 દિવસ સુધી આ પર્વ ઉજવશે, જયારે દિગમ્બર સમાજના જૈન ધર્માવલંબી 10 દિવસ સુધી આ વ્રતનું પાલન કરશે. પર્યુષણ પર્વ નિમિત્તે સોમવાર પહેલાથી જ  જિનાલયો, મંદિરો અને અન્ય પૂજા સ્થળોએ સાફ સફાઈ કરવી લેવામાં આવી છે. પર્યુષણ પર્વ જૈન સમાજનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે, તેથી તેને પર્વાધિરાજ પણ કહેવામાં આવે છે. ભાદો મહિનામાં ઉજવાતા આ પર્વ દરમિયાન ધર્માવલંબી જૈન ધર્મના પાંચ સિદ્ધાંતો - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરો), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (જરૂરી કરતાં વધારે પૈસા એકઠા ન કરો) વ્રતનું પાલન કરે છે.

પર્યુષણનો સામાન્ય અર્થ  મનના તમામ વિકારોને દૂર કરવાનો છે. એટલે કે, આ પર્વ દરમિયાન તમારા મનમાં ઉદ્ભવતા બધા ખરાબ વિચારોને દૂર કરવા માટેનું વ્રત જ છે પર્યુષણ મહાપર્વ. જૈન ધર્માવલંબીઓ આ તહેવાર દરમિયાન મનના તમામ વિકારો - ક્રોધ, લોભ, આસક્તિ, ઈર્ષ્યા અને વિખવાદથી છૂટકારો મેળવવાનો માર્ગ શોધે છે. તે જ સમયે, આ વિકારો પર વિજય મેળવ્યા પછી, તેઓ પોતાને શાંતિ અને શુદ્ધતા તરફ લઈ જવાનો માર્ગ શોધે છે. ભાદ્રપદ એટલે કે ભાદો મહિનાની પંચમી તિથીએ શરૂ થતો આ તહેવાર અનંત ચતુર્દશીની તિથી સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ઉજવણી કરનારા અનુયાયીઓ ભગવાન મહાવીરે નક્કી કરેલા 10 નિયમોનું પાલન કરીને પર્યુષણ પર્વની ઉજવણી કરે છે.

જૈન ધર્મના દિગંબર શાખાના અનુયાયીઓ પર્યુષણ પર્વ દરમિયાન 10 દિવસ સુધી વિવિધ વ્રતોનું પાલન કરે છે. આથી તેને દશલક્ષણા પર્વ પણ કહેવામાં આવે છે. તે જ રીતે, શ્વેતામ્બર સમાજના લોકો આ તહેવાર આઠ દિવસ સુધી ઉજવે છે, તેથી આ શાખાના અનુયાયીઓ પર્યુષણ પર્વને આષ્ટાહિક ના રૂપે માને છે. હિન્દુઓની નવરાત્રિ સમાન ગણાતા આ પર્વમાં જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંત - અહિંસાના વ્રત પર ચાલવાનો રસ્તો બતાવે છે. આ પર્વ દરમિયાન, જૈન ધર્માવલંબી લોકો સમસ્ત વિશ્વ માટે મંગલ કામના કરે છે અને જાણતા - અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરે છે. વરસાદની ઋતુમાં ઉજવાતો આ તહેવાર સમાજને પ્રકૃતિ સાથે જોડાવાનું શીખવે છે. આ પર્વ દરમિયાન, જૈન સમાજના ભક્તો સંપૂર્ણ નિષ્ઠા સાથે ધાર્મિક વ્રતોનું પાલન  કરે છે.

વરસાદની મોસમમાં જ પર્યુષણ પર્વ ની ઉજવણી કરવા પાછળ જૈન ધર્મની વ્યવહારિક વિચારધારા ફલિત થાય છે. આ ઉત્સવનો મૂળ આધાર ચતુર્માસિક સ્થળાંતર છે. ચાતુર્માસ, એટલે કે વરસાદી માહોલના ચાર મહિના. આ દિવસોમાં, પૃથ્વી પર વરસાદને લીધે હરિયાળી વધે છે. મોટા અને નાના, ઘણા પ્રકારના જીવ - જંતુઓ જન્મે છે.  ઉપરાંત, રસ્તાઓ પર કાદવ અથવા પાણીના સંચયને કારણે, માર્ગ ચાલવા યોગ્ય નથી હોતો. આને ધ્યાનમાં રાખીને જૈન સાધુઓએ વ્યવસ્થા આપી છે કે આ મહિનાઓમાં ધર્માવલંબી લોકોએ એક જ જગ્યાએ રહીને ભગવત આરાધના કરવી જોઈએ.

ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઈ, માસખમણ જેવા લાંબા કંઇ પણ ખાધા પીધા વિના નિર્જળ ઉપવાસ કરનાર હજારો લોકો સરાહના મેળવે છે. ભારત સિવાય બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, જાપાન, જર્મની તેમજ અન્ય અનેક દેશોમાં પણ પર્યુષણનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમીના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે. 

પર્યુષણ પર્વ દરમિયાન અનુયાયીઓ કરે છે આ પ્રમુખ કામ

- પર્યુષણ પર્વ દરમિયાન, બધા શ્રદ્ધાળુઓ ધાર્મિક ગ્રંથોના પાઠ કરે છે. આને લગતા ઉપદેશો સાંભળવામાં આવે છે.

- ઘણા ભક્તો પર્વ દરમિયાન વ્રત રાખે છે. પુણ્ય લાભ માટે દાન કરવું એ પણ તેનો એક ભાગ છે.

- મંદિરો અથવા જિનાલય ખાસ રીતે સાફ કરીને સજાવવામાં આવે છે.

-પર્યુષણ પર્વ દરમિયાન રથયાત્રા અથવા શોભાયાત્રા કાઢવામાં આવે છે.

- આ સમયગાળા દરમિયાન મંદિરો, જિનાલય અથવા જાહેર સ્થળોએ સામુદાયિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે.

(6:40 pm IST)