Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે કોલકતામાં પૂર્વે કદી ન રચાયો હોય એવો ઐતિહાસિક પર્વાધિરાજ પર્યુષણમાં વિવિધ દાનધર્મ કર્તવ્યનું વિશેષ આયોજન: ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ભગવાન મહાવીરને માનનારા દરેક વ્યક્તિ “મિત્તિ મેં સવ્વ ભુએસુ” સર્વ જીવો સાથે મારી મિત્રતા છે, તે ભાવથી પુરા વર્ષ દરમ્યાન કરેલા અપરાધોની આલોચના કરી, ક્ષમાયાચના માંગી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરશે

રાજકોટ : રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે કોલકતાના પારસધામમાં વ્યતીત થઈ રહેલું જ્ઞાનગંગામય ચાતુર્માસ  જ્ઞાન-ધ્યાન -તપ અને ત્યાગની આરાધનાઓ સાથે સર્વ પ્રકારે દીપી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આવી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં હજારો ભાવિકોને ધર્મરંગે રંગવા માટેનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પારસધામ-કોલકાતાના ઉપક્રમે શ્રી ડુંગર દરબારના વિશાળ અને ભવ્ય શામિયાણામાં તા. 27  થી 03.09 આઠ દિવસ સુધી પર્વાધિરાજ પર્વ લક્ષી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેના અંતગર્ત દરરોજ સવારના 08:00 થી 10:30 કલાક દરમ્યાન પૂજ્ય ગુરુ ભગવંતના શ્રીમુખેથી શ્રી તીર્થંકર જીવનયાત્રા પર અત્યંત ભાવવાહી શૈલીમાં પ્રવચનમાલા ફરમાવવામાં આવશે. નિત્ય પ્રવચનમાળાના આ અનુસંધાનમાં દરરોજ સાંજના 06:00 કલાકે સામુહિક પ્રતિક્રમણની આરાધના તેમજ દરરોજ રાત્રે 08:00 કલાકે Religion & Reality ના વિશિષ્ટ કાર્યક્રમ અંતર્ગત ધર્મ અને સત્ય સંબંધી ઉઠતાં વિવિધ પ્રશ્નોના લોજીકલ સમાધાન પૂજ્ય ગુરુદેવશ્રીની જ્ઞાનવાણી દ્વારા આપવામાં આવશે.

પર્વાધિરાજ પર્વના આ નિત્ય ક્રાયક્રમો ઉપરાંત તા.31. ને શનિવાર સવારના 08:00 કલાકથી આજથી અઢી હજાર વર્ષ પહેલાં ક્ષત્રિયકુંડ નગરમાં ઘટેલી પ્રભુ જન્મની મંગલ ઘટનાને અત્યંત ભવ્ય અને દિવ્ય સ્વરૂપે તાદશ્ય કરી પ્રભુ જન્મના વધામણા લેવામાં આવશે. આ અવસરે માતા ત્રિશલાદેવીને આવેલાં 14 મહા સ્વપ્નનના દિવ્ય દર્શનનો લાભ ભાવિકોને આપવામાં આવશે.

પર્વાધિરાજના પાવન દિવસોમાં કોલકાતામાં પ્રથમવાર બાળકો માટે દરરોજ સાંજના 6 થી  8 કલાક દરમ્યાન બાલ પર્યુષણ પર્વ વિશેષ રૂપે આયોજિત કરવામાં આવ્યો છે. નાના-નાના બાળકો પણ પોતાના પાપોની આલોચના કરી શકે તે હેતુથી તા. 1.09  બપોરના 3  કલાકે બાલ આલોચના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વિશેષમાં, પર્વાધિરાજ પર્વમાં દાનધર્મનું કર્તવ્ય બજાવવા સ્વરૂપ પ્રથમ દિવસે વસ્ત્રદાન, દ્વિતીય દિવસે સ્ટેશનરી નોટબુક આદિ શૈક્ષણિક દાન, તૃતીય દિવસે પાત્રદાન, ચતુર્થ દિવસે ચશ્માદાન, પાંચમા દિવસે અન્નદાન, છઠ્ઠા દિવસે ઘડિયાળ-રમકડાં આદિ પદાર્થદાન, સાતમા દિવસે પ્રિય વસ્તુના ત્યાગ સ્વરૂપ પરિગ્રહદાન તેમજ આઠમા દિવસે ધાર્મિક પુસ્તક સ્વરૂપ જ્ઞાનદાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજિત કરવામાં આવેલાં દરેક કાર્યક્રમ શ્રી ડુંગર દરબાર, 9 શરત બોઝ રોડ, મિન્ટો પાર્કની બાજુમાં, કોલકાતા ખાતે રાખવામાં આવ્યાં છે.

(2:17 pm IST)