Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જે બીજાની કદર કરે છે, એની કદર જગત કરતું હોય છે: પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ

રાષ્ટ્રસંત ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સા.નાં સાંનિધ્યે કોલકાતાના દરેક જૈન ધર્મ ક્ષેત્રના ધર્મ સેવકોના સન્માન સંપન્‍ન

રાજકોટજૈન દેરાસર કે ઉપાશ્રયોમાં વર્ષોથી કામ કરતાં લોકોને સુવર્ણમુદ્રા અર્પણ કરી હજારોની મેદની વચ્ચે સાફા પહેરાવી સન્માન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કોલકતાના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી યોજાતા સમગ્ર સમાજને એક નવી પ્રેરણા મળેલ.

શ્રી પારસધામ કોલકાતા સંઘના ઉપક્રમે શ્રી ડુંગર દરબારમાં આયોજીત કરવામાં આવેલી ચાતુર્માસની અંતિમ યુવા શિબિરના અવસરે સમગ્ર કોલકતામાં સ્થિત દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી તેમ જ દિગમ્બર સમાજ આદિ 44 જૈન ધર્મ ક્ષેત્રોમાં સેવા બજાવી ને જીવન નિર્વાહ કરી રહેલાં દરેકે દરેક ધર્મ સેવકોને વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વિવિધ દેરાસરો, મંદિરો, ધર્મસ્થાનકો તેમજ વિવિધ જૈન સંસ્થાઓ મળીને 44 ક્ષેત્રોમાં સેવા બજાવી રહેલા 168 થી વધારે ધર્મ સેવકોના આ અવસરે ગૌરવવંતી પાઘડી પહેરાવીને પ્રવેશ વધામણા કરવામાં આવ્યાં હતાં. તે દરેક ધર્મ સેવકોને વસ્ત્ર, મીઠાઈ, પેન સેટ આદિ વસ્તુઓની સાથે શુદ્ધ સોના મુદ્રા અત્યંત અહોભાવ પૂર્વક અર્પણ કરવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં અનુમોદના અને જયકારનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

આ અવસરે ભાવિકોને બોધ વચન ફરમાવતાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું હતું કે, ધર્મ ક્ષેત્રમાં આપવામાં આવતી સમજણ કે બોધની વાતો તે માત્ર ધર્મ ક્ષેત્રમાં જ નહીં પરંતુ સંસારના ક્ષેત્રમાં પણ જો અમલમાં મૂકવામાં આવે તો જીવનમાં વિકાસ અને શાંતિ-સમાધિનું સર્જન થઇ જતું હોય છે. મોટાભાગે શરીરની ઉંમર કરતાં સમજણની ઉંમર મોટી હોય તો ઘરોમાં શાંતિ આવતી હોય છે. આજના સમયમાં મોટાભાગનાં ઘરોમાં પ્રોબ્લેમ ઉભાં થતાં હોય છે એનું મૂળ કારણ ઘરનાં મોટાં હંમેશા મોટાં બનીને રહેવા માંગતા હોય છે.

પરંતુ પરમાત્મા કહે છે , જે ઘરમાં મોટા નાનાં બનીને રહે છે તે ઘરમાં મોટા કદી નાનાં બનતાં નથી ઘરમાં મોટા જયારે નાનાં બનીને નાનાની બે વાત માને છે ત્યારે નાના સામે ચાલીને મોટાની ચાર વાતનો સ્વીકાર કરી લેતાં હોય છે જે બીજાની વાતનો સ્વીકાર કરી લે છે એના પાપ ઘટી જતાં હોય છે પરંતુ જે પોતાની વાતને બીજા પાસે મનાવે છે તેના પુણ્યનો ક્ષય થઈ જતો હોય છે જે ઘરમાં મોટા નાનાંની વાત માને છે તે ભવિષ્યમાં પોતાનું ધાર્યું થાય તેવા પાક લણવાના બીજનું વાવેતર કરી લેતાં હોય છે.

વધુમાં પૂજ્ય ગુરૂદેવશ્રીએ સમજાવ્યું હતું કે ઘર હોય, સમાજ હોય કે ધર્મક્ષેત્ર હોય દરેક જગ્યાએ જે વ્યક્તિ નાની વ્યક્તિને સન્માન આપે છે અને તેને આખા જગતમાં સન્માન મળતું હોય છે. માટે જ, નાના બને છે તે જ આગળ જતા મોટા બની શકતા હોય છે.

આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉપસ્થિત ભાવિકોને અહંકારશૂન્ય બનવાના પ્રયોગ સ્વરૂપ ઘરના નોકર કે ડ્રાઇવર સાથે બેસીને તેને સન્માનિત કરવાની તેમજ નોકરને સોફા પર બેસાડી ને જાતે ઘરકામ કરવાની પ્રેરણા આપતા ઉપસ્થિત સહુએ સહર્ષ સ્વીકારી લીઘી હતી.

ઉપરાંતમાં આ અવસરે પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજીએ આત્માની રાઈટ આઈડેન્ટીટી અને રિઆલિટીને ઓળખાવીને સહુને બોધિત કર્યા હતાં પૂજ્યશ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબે આ અવસરે ધર્મ સાધનામાં અન્ય વ્યક્તિઓને પણ સહાયક બનવાનો અનુપમ બોધ આપી સહુને પ્રેરિત કર્યા હતા.

ધર્મ સેવકોને સન્માનિત કરવાનો લાભ માતુશ્રી કીકીબેન ત્રંબકલાલ દેસાઈ પરિવાર હસ્તે શ્રી શૈલેશભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી કાંતિભાઈ લાધાભાઇ શેઠ, શ્રી જીતુભાઇ માટલીયા, શ્રી મેઘાબેન કેશુભાઈ શાહ, શ્રી ચેતના બેન હર્ષદભાઈ ઘેલાણી પરિવાર લેવામાં આવ્યો હતો.

વિશેષરૂપે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહા પર્વની આરાધનાનો પ્રારંભ શ્રી ડુંગર દરબારના પ્રાંગણમાં કરવામાં આવશે. તા. ૦૩- ચાલનારા આ પાવન પર્વ નિમિત્તે શ્રી પારસધામ સંઘના ઉપક્રમે અનેક વિવિધ આત્મહિતકારી અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. પર્વના દિવસોમાં દરેક કાર્યક્રમમાં પધારી આત્મહિત સાધવા માટે દરેક ભાવિકોને શ્રી પારસધામ સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(2:17 pm IST)