Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

દેશના વિવિધ ભાગોમાં હજુ પુરતાંડવ : પરિસ્‍થિતી કફોડી

ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદ થશે : કેરળના જુદા જુદા ભાગમાં સાફ સફાઇ શરૂ : રોગચાળાને રોકવા માટે પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સાવચેતીના પગલાઓ

નવી દિલ્‍હી, તા. ૨૬ : દેશના જુદા જુદા ભાગોમાં મોનસુન અને પુરના કારણે કહેર હજુ સુધી જારી છે. ઉત્તરાખંડના પાંચ જિલ્લાઓ માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મધ્‍યપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે માતાટીલા બંધમાંથી ૨૦ ગેટ ખોલી નાંખવાની ફરજ પડી છે. પંજાબના ફિરોજપુરમાં પણ પુર જેવી સ્‍થિતી પ્રવર્તી રહી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં હડસર ખાતે પણ જટિલ સ્‍થિતી સર્જાયેલી છે.  બીજી બાજુ જુદા જુદા રાજ્‍યોમાં પુરના કારણે સ્‍થિતી ખરાબ થયા બાદ હવે  રાહત કામગીરી મોટા પાયે ચાલી રહી છે. તબાહીનો શિકાર થયેલા કેરળને કેન્‍દ્રની પુરતી સહાયતા પહોંચવામાં હજુ પણ સમય લાગી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, નુકસાનનું મૂલ્‍યાંકન કરવામાં સમય લાગી રહ્યો છે. શરૂઆતી ફંડ રિલીઝ કરવામાં આવ્‍યા બાદ કેન્‍દ્ર સરકાર તરફથી રકમ જારી કરવાને લઇને કેટલાક નિયમો છે. આને પાળીને રાહતની રકમ જારી કરવામાં આવે છે. ગળહમંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આવી પરિસ્‍થિતિમાં માર્ગર્દશિકાને પાળીને પેકેજ જારી કરવામાં આવે છે. છેલ્લી એક સદીમાં સૌથી ભીષણ પુરની સ્‍થિતિનો સામનો કરી રહેલા કેરળ માટે કેન્‍દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવી ચુકી છે. કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્‍યું છે. બચાવ અને રાહત કામગીરી કેરળના પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં હજુ પણ ચાલી રહી છે. રાહત કેમ્‍પોમાં રહેતા લોકોની સંખ્‍યા  હવે ઓછી છે. રોગચાળાનો ખતરો હજુ તોળાઈ રહ્યો છે. સાફ સફાઈને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઓપરેશન સફાઈ હેઠળ લાખો ધરો અને આવાસોમાં સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્‍યમંત્રી વિજયનનું કહેવું છે કે, ૬૦૦૦૦થી વધારે આવાસને નુકસાન થયું છે. ૬૦૦૦૦થી વધુ આવાસોમાં સાફસફાઈની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્‍ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્‍ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરીમાં  હાલમાં લાગી હતી. સેંકડો લોકો રાહત કેમ્‍પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં હજારો લોકો છે. કેરળ ઉપરાંત, કર્ણાટક, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્રમાં પણ હાલમાં પુરના કારણે મોટી સંખ્‍યામાં લોકોના મોત થયા છે. વર્તમાન મોનસુનની સિઝનમાં મોતનો આંકડો ૧૦૦૦ કરતા પણ ઉપર પહોંચી ગયો છે.

(1:23 pm IST)