Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

લખનઉમાં પ્રોપર્ટી ડિલરે સોશ્યલ મીડિયા પર ભગવાન કૃષ્‍ણની વાંધાજનક તસવીર પોસ્ટ કરતા ધરપકડ કરાઇ

ઉત્તર પ્રદેશ : લખનઉમાં એક પ્રોપર્ટી ડિલરે સોશિયલ મીડિયા પર હિન્દુ ભગવાન કૃષ્ણની વાંધાજનક તસવીર પોસ્ટ કરતાં પોલીસે તેની ધરપકડ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, આરોપી પ્રોપર્ટી ડિલરે જન્માષ્ટમીના દિવસે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી હતી.

 

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લખનઉના આલમનગર વિસ્તારમાં લોકોએ ઉશ્કેરાઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દબાણ ઊભું થતાં પોલીસે ફરિયાદ નોંધી હતી અને 48 વર્ષીય પ્રોપર્ટી ડિલરની રવિવાર રાત્રે ધરપકડ કરી હતી.
આલમનગરમાં રહેતા મનોજ કુમાર ગુપ્તાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રોપર્ટી દલાલ સામે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સહિતના અનેક ગુનાઓ નોંધી કેસ દાખલ કર્યો છે.

પોલીસ અધિકારી ત્રિલોકી સિંહે જણાવ્યું કે, આરોપીએ શનિવારે હિન્દુ ભગવાનની વાંધાજનક કહી શકાય એવી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પોસ્ટને અનેક લોકોએ શેર કરી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાતાં વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદમાં પ્રોપર્ટી ડિલર સામે એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તે સોશિયલ મીડિયા પર દેશના નેતાઓ વિરુદ્ધ વારંવાર ટિપ્પણીઓ કરતો રહે છે. બીજી તરફ, આરોપી પ્રોપર્ટી ડિલરે પોતાના પર લાગેલા આરોપ નકારતાં કહ્યું કે મેં આવી કોઈ પણ અભદ્ર પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી.

(12:47 pm IST)