Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પ્રેરક કાર્યઃ ટીબી પીડિત બાળકીને દત્તક લીધી

લખનઉ: ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ટીબીથી પીડાતા બાળકીને દત્તક લઇ એક પ્રેરક કાર્ય કર્યું છે. રાજ્યપાલનાં કાર્યથી પ્રભાવિત થઇ, રાજભવનનાં સ્ટાફે ટીબીથી પિડાતી 21 બાળકીઓને દત્તક લીધી છે.
રાજ્યપાલ અને રાજભવનનો સ્ટાફ બાળકીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેમને પોષણ આહાર મળે તેની કાળજી લેશે જેથી કરીને તેઓ સારા આરોગ્ય સાથે જીવન જીવી શકે.
આનંદીબેન પટેલે જણાવ્યું કે, બાળકોને પોષણયુક્ત ખોરાક, સારું શિક્ષણ અને દવાઓ મળી રહે તે જોવાની જવાબદારી સ્ટાફની છે. તમામ બાળકો રાજભવનની આસપાસનાં વિસ્તારોનાં છે.
રાજભવનનાં એક અધિકારીએ જણાવ્યું કે, રાજભવનની આસપાસ રહેતા બાળકોની દેખરેખથી પ્રયાસની શરૂઆત કરવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિશ્ચય કર્યો છે કે, 2025નાં વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવું. ધ્યેયને ધ્યાનમાં રાખીને રાજભવને પહેલ કરી છે અને ટીબીથી પિડાતા બાળકોને દત્તક લેવાની શરૂઆત કરી છે.
આનંદીબેન પટેલે જણાવ્યું કે, “બાળકોને દત્તક લેવા ઉપકાર નથી સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે. જે લોકો અમીર છે તેમણે થોડા પૈસા ગરીબો માટે આપવા જોઇએ. એક નાનું પગલું છે પણ આમ કરવાથી એક મોટું ધ્યેય પ્રાપ્ત કરી શકીશું,”
તેમણે જણાવ્યું કે, સરકાર રાજ્યને દરેક ખૂણે પહોંચી શકે, એટલા માટે, દરેક સામાન્ય માણસની પણ જવાબદારી છે કે ગરીબ માણસોને મદદ કરે. સમાજનાં છેવાડાનાં માણસો સરકારની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કેમ કે, તેમને તેની ખબર હોતી નથી. આથી આપણી જવાબદારી છે કે, ગરીબો માટેની યોજનાનો લાભ ગરીબોને મળે,”.

(12:41 pm IST)