Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વિંગ કમાન્ડર અભિનંદન મિગ ૨૧માં સવાર થયા

મિગ ૨૧ જેટ વિમાન ઓપરેટ કરશે

નવીદિલ્હી, તા. ૨૫ : ફેબ્રુઆરી મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ખેંચતાણ વેળા ભારે ચર્ચા જગાવનાર અને અદ્ભુત સાહસનો પરિચય આપનાર આઈએએફના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફરી એકવાર મિગ-૨૧ જેટ વિમાનને ઓપરેટ કરવાની શરૂઆત કરી દીધી છે. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ લડાઈ દરમિયાન ફાઇટર જેટ વિમાનમાંથી કુદી જઈને પાકિસ્તાનમાં પડ્યા બાદ તેમને ઇજા થઇ હતી. છ મહિનાના ગાળા બાદ વિંગ કમાન્ડર અભિનંદન ફરી એકવાર કોકપીટમાં આવી ગયા છે. ફાઈટર કોકપીટમાં તેમની એન્ટ્રી થતાં દેશને ગર્વ થઇ રહ્યું છે.

      રાજસ્થાનમાં આઈએએફ બેઝમાં હાલમાં તેમની સેવા લેવામાં આવી રહી છે. ટોચના મિલિટ્રી ઓફિસર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મિગ તુટી પડ્યા બાદ પાકિસ્તાનમાં પહોંચી ગયેલા ૩૬ વર્ષીય પાયલોટને પાકિસ્તાની સેનાએ ૨૭મી ફેબ્રુઆરીએ પકડી લીધો હતો પરંતુ ભારતના દબાણ બાદ પહેલી માર્ચે પાકિસ્તાનને છોડવાની ફરજ પડી હતી.

(12:00 am IST)