Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

કાશ્મીર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક

કલમ ૩૭૦ મુદ્દે અમેરિકા ભારતની સાથે : વાતચીતમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર છે

નવીદિલ્હી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આવતીકાલે સોમવારના દિવસે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકથી પહેલા અમેરિકાએ કહ્યું છે કે, મોદી સાથેની વાતચીત દરમિયાન કાશ્મીર ઉપર પણ ચર્ચા થશે. અમેરિકી પ્રમુખ કાશ્મીરમાં માનવ અધિકારોની સુરક્ષા માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે માહિતી મેળવશે. જો કે, અમેરિકાએ ફરી એકવાર કહ્યું છે કે, કલમ ૩૭૦ને દૂર કરવાની બાબત ભારતનો આંતરિક મામલો છે. શનિવારના દિવસે જ ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ કહી ચુક્યા છે કે, અમેરિકા-ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઓછી કરવાની રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે.

         સરહદપારથી ઘુસણખોરીને રોકવા, કાશ્મીરમાં ટેરર ફંડિંગને રોકવા અને અન્ય ત્રાસવાદીઓની મદદ કરવા માટે પાકિસ્તાનની ગતિવિધિ ઉપર નજર રાખવાની બાબતનો સમાવેશ થાય છે. ભારતને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને માનવ અધિકારોની સુરક્ષાની ખાતરી કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે યોજાનારી બેઠક પર વિશ્વ સમુદાયની નજર છે. હાલમાં જ અમેરિકી પ્રમુખ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વાતચીત કરીને કાશ્મીર મામલે દરમિયાનગીરી કરવાની  વાત કરી હતી.

        કલમ ૩૭૦ના મુદ્દે ભારત ઉપર દબાણ લાવવા ઇમરાન ખાનના તમામ પ્રયાસો થયા હતા પરંતુ તેમને કોઇ સફળતા હાથ લાગી ન હતી. વિશ્વ સમુદાય તરફથી કલમ ૩૭૦ના મામલે ભારતને સમર્થન મળ્યા બાદ મોદીની ટ્રમ્પ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ છે. સાથે સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા મોદીએ વાત કરી હતી તેવા ટ્રમ્પના નિવેદન બાદ આ પ્રથમ બેઠક છે.

(12:00 am IST)