Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

હવે ત્રણ મહિનામાં 'ઊંટડીનું અમૂલ દૂધ' તમારા આંગણે

'સરહદ ડેરી' દ્વારા ઊંટડીના દૂધના પ્રોસેસીંગ અને પેકેજીંગ માટેનો વિશેષ પ્લાન્ટ કચ્છનાં લાખોન્દ ખાતે બની રહ્યો છે : આગામી ત્રણ મહિનામાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે

મુંબઇ તા. ૨૬ : છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોવાઇ રહી હતી તે ઊંટડીનું દૂધ હવે ત્રણ મહિનામાં માર્કેટમાં આવી જશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી અથવા 'સરહદ ડેરી' દ્વારા ઊંટડીના દૂધના પ્રોસેસીંગ અને પેકેજીંગ માટેનો વિશેષ પ્લાન્ટ કચ્છનાં લાખોન્દ ખાતે બની રહ્યો છે. આગામી ત્રણ મહિનામાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે.

સરહદ ડેરીનાં ચેરમેન વલમજીભાઇ હુંબલે કહ્યું છે કે, 'ઊંટડીના દૂધ માટેનો વિશેષ પ્લાન્ટ ત્રણ મહિનામાં ચાલુ થઇ જશે. ઊંટડીના દૂધ માટેનો દેશનો આ સૌ પ્રથમ પ્લાન્ટ હશે. સૌ પ્રથમ અહીંથી દૂધનું પ્રોસેસીંગ અને પેકેજીંગ થશે અને આગામી વર્ષોમાં ઊંટડીના દૂધમાંથી અન્ય ચીજો પણ બનશે. આ એક મહાત્વાકાંક્ષી પ્રોજેકટ છે. ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં અમે ઊંટડીના દૂધનું કલેકશન શરૂ કર્યુ હતુ. હાલ, સરહદ ડેરી રોજ ૧૫૦૦ લીટર ઊંટડીનું દૂધ માલધારીઓ પાસેથી મેળવે છે અને તેને આંણદ ખાતેના અમૂલ પ્લાન્ટમાં મોકલે છે. આ ઊંટડીના દૂધમાંથી હાલ અમૂલ ચોકલેટ બને છે.'

'એક વખત ઊંટડીના દૂધ માટેનો પ્લાન્ટ શરૂ થતાની સાથે જ અમારૂ ઊંટડીના દૂધનું કલેકશન દરરોજ ૫૦૦૦ લીટર પહોંચી જશે. અને એ કલેકશન સતત વધતું રહેશે.અમૂલ બ્રાન્ડ હેઠળ ઊંટડીનું દૂધ વેચાશે.' વલમજીભાઇ હુંબલે માહિતી આપતા જણાવ્યું. સરહદ ડેરી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. (જી.સી.એમ.એમ.એફ)નો એક ભાગ છે. જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટો-વસ્તુઓ વેચે છે.

એક સમયે કચ્છના ઊંટોનો માત્ર પરિવહન માટે જ ઉપયોગ થતો હતો. આ ઊંટોને રાખનારા માલધારીઓ તેનું દૂધ પીતા પણ તેના દૂધ માટે તેનું પાલન થતુ નહી પણ જયારથી સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું કલેકશન શરૂ કર્યુ છે ત્યારથી હવે માલધારીઓ માટે ઊંટડીનું દૂધએ મુખ્ય આવકનું સાધન બની ગયું છે.

'અત્યાર સુંધી ઊંટડીના દૂધ માટે કોઇ સંગઠીત બજાર નહોતુ. તેની ખરીદી કરવાવાળુ કોઇ ચોક્કસ માર્કેટ નહોતું. એટલા માટે, માલધારીઓ આ ઊંટડીનું દૂધ ચા-વાળા, હોટેલવાળાઓને ૨૦થી ૨૫ રૂપિયે લીટર વેચતા હતા. પણ હવે સરહદ ડેરી એટલે કે અમૂલ તેમની પાસેથી દૂધ ખરીદે છે અને ડબલ પૈસા આપે છે. અમે ઊંટડીના દૂધના પ્રતિ લીટર ૫૦ રૂપિયા ચૂકવીએ છીએ. આ ભાવના કારણે માલધારીઓને પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે અને એટલા માટે હવે માલધારીઓ ઊંટ રાખશે' વલમજીભાઇ હુંબલે જણાવ્યું.

(4:33 pm IST)