Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

બીજિંગમાં ભારતીય-અમેરિકન દુતાવાસ નજીક વિસ્ફોટઃ અનેકને ઇજા

શંકાસ્પદ મહિલાની ધરપકડ : કોઇ જાનહાનિ નહિ

બીજિંગ તા. ૨૬ : ચીનની રાજધાની બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. જે જગ્યા પર ધડાકો થયો છે તેની નજીક અમેરિકન દૂતાવાસ પણ આવેલું છે. હજુ સુધી જાનમાલની નુકસાનીની કોઇ સમાચાર નથી. કહેવાય છે કે આ બ્લાસ્ટથી ભારતીય દૂતાવાસને કોઇ નુકસાન થયું નથી.

બ્લાસ્ટ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. આ વિસ્તારની નકાબંધી કરી તપાસ હાથ ધરાઇ છે. જો કે બ્લાસ્ટ કોણે અને કેમ કર્યો તે વાતની ભાળ મળી નથી. ન તો કોઇએ આ ઘટના માટે જવાબદારી લીધી છે.

બ્લાસ્ટ બાદ લોકોએ સ્પોર્ટનો ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં સ્પષ્ટ ધુમાડા ઉડતા દેખાઇ રહ્યાં છે. સાથો સાથ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સ્થળ પર એક વ્યકિતને જમીન પર સૂવડાવ્યો છે અને કંબલથી ઢાંકી દેવાયો છે.જો કે આ બ્લાસ્ટને લઇ સોશિયલ મીડિયા પર બે પ્રકારની વાતો થઇ રહી છે.

કેટલાંક લોકોનું કહેવું છે કે આ બ્લાસ્ટ અમેરિકન દૂતાવાસની બહાર થયો છે તો કેટલાંક લોકો ભારતીય દૂતાવાસની બહાર કહી રહ્યાં છે. જયારે આ ઘટનાને લઇ ભારત, ચીન, કે અમેરિકા ત્રણેયમાંથી એકેય કોઇપણ બ્લાસ્ટની પુષ્ટિ કરી નથી.

બેઇજિંગમાં અમેરિકન દૂતાવાસ અને ભારતીય દૂતાવાસ આસ-પાસ છે. તેના લીધે બંને પ્રકારની વાતો થઇ રહી છે. મળતી માહિતી પ્રમાણે એક વ્યકિતએ હાથમાંથી બનાવેલ દેશ બોમ્બને એમ્બેસીના ગેટની તરફ ફેંકયો. જો કે મામૂલી બ્લાસ્ટ હોવાના લીધે કોઇપણ પ્રકારની નુકસાનીના સમાચાર નથી. ભારતીય એમ્બેસીના તમામ અધિકારી અને કર્મચારી સુરક્ષિત છે. સ્થાનિક પોલીસે આખા વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી દીધી છે.

(3:28 pm IST)