Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

કારગિલ યુદ્ધ ૨૬ જુલાઇના દિવસે પૂર્ણ જાહેર કરાયુ હતુ

ઓપરેશન વિજયની દેશમાં જોરદાર ઉજવણી : ત્રાસવાદી અને પાકિસ્તાનના જવાનોનો ખાતમો બોલાવી આખરે જીત મેળવી : હવાઇ હુમલાઓ પણ કરાયા હતા

નવી દિલ્હી,તા. ૨૬ : કારગિલ યુદ્ધને આજે ૧૯ વર્ષ પૂર્ણ ગઇ ગયા છે. આજના દિવસે જે ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો, ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓ અને સેનાના જવાનોને ખદેડી મુક્યા હોવાની અને પોતાના વિસ્તાર પર સંપૂર્ણ કબજો જમાવ્યો હોવાની જાહેરાત કરી હતી.  આની સાથે જ  ભારતમાં જવાનોએ ઓપરેશન વિજયની ઉજવણી કરી હતી. આજે ભારતીય સાહસી જવાનોની વીરાતા અને કુશળતા તેમજ દેશભક્તિની ફરી નોંધ લેવામાં આવી હતી. કારગીલ યુદ્ધ દરમિયાન દેશના ગૌરવ માટે લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર જવાનોને આજે દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે જુદા જુદા કાર્યક્રમઆયોજન કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાન સાથે વર્ષ ૧૯૯૯ના યુદ્ધ દરમિયાન સાહસનો પરિચય આપીને શહીદ થયેલા જવાનો અને અધિકારીઓને આજે યાદ કરવામાં આવ્યા હતા.સેનાના વડાએ જમ્મુ કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં મેમોરિયલ ખાતે કારગિલ યુદ્ધના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના વડાએ સાહસી જવાનોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અલબત્ત ઉજવણીનો દોર ૨૦મી જુલાઇના દિવસે શરૂ થઇ ગયો હતો પરંતુ મુખ્ય કાર્યક્રમ હવે આજથી શરૂ થઇને આગામી બે દિવસ સુધી યોજાશે.કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે અને જુલાઇ ૧૯૯૯ વચ્ચે થયું હતુ. કાશ્મીરના કારગિલ  જિલ્લા અને અંકુશ રેખા પર આ યુદ્ધ થયું હતુ. અંકુશ રેખાની ભારતીય બાજુમાં પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી ત્રાસવાદીઓની ઘુસણખોરી અને તેમના દ્વારા ભારતીય ક્ષેત્રો પર કબજો જમાવી લેવાના કારણે આ યુદ્ધ થયું હતુ. આ યુદ્ધને ઇતિહાસમાં ઓપરેશન વિજય તરીકે પણ ગણવામાં આવે છે. યુદ્ધમા મોડેથી ભારતીય હવાઇ દળે પણ ભૂમિકા અદા કરી હતી. ભારતે આખરે તેના તમામ વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. પાકિસ્તાની સેનાના જવાનોને ખસી જવાની ફરજ પડી હતી. બે પરમાણુ સક્ષમ દેશ વચ્ચે આ યુદ્ધ થયું હતુ.  વર્ષ ૧૯૯૮માં જ બન્ને દેશોએ પરમાણુ પરિક્ષણ પણ કર્યા હતા. કારગિલ ઓપરેશનમાં ભારતના પક્ષે સત્તાવાર રીતે ૫૨૬ જવાનો શહીદ થયા હતા. બીજા મોટી સંખ્યામાં જવાનો ઘાયલ પણ થયા હતા. આજે દેશના લોકોએ તમામ જવાનોને તેમની વીરતા પર યાદ કર્યા હતા.

યુદ્ધ બાદ ભારતે સંરક્ષણ તરફ વધારે ધ્યાન આપ્યુ

સેનાને પણ આધુનિક બનાવાઈ

કારગિલ યુદ્ધ બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી લીધા હતા અને સંરક્ષણ તૈયારી ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. ભારતે ત્યારબાદ તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કર્યો હતો. અતિ આધુનિક હથિયારો મેળવવાની દીશામાં પગલા લીધા હતા. આ ઉપરાંત અનિયમિતતાઓને દૂર કરવા માટે પણ પગલા લીધા હતા. રિસર્ચ એન્ડ એનાલિસીસ વીંગ જેવી ઈન્ટેલીજન્સ સંસ્થાઓની ટીકા બાદ આ તમામ સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવી હતી. ભારતીય સેના પાસે પુરતી માહિતી નહીં હોવાની માહિતી પણ યુદ્ધ દરમિયાન સપાટી પર આવી હતી. કારગીલ યુદ્ધ બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારો થયો હતો. અમેરિકાએ મર્યાદીત ભૌગોલિક વિસ્તાર સુધી યુદ્ધને રાખવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ઈઝરાયેલ સાથેના ભારતના સંબંધો પણ મજબૂત બન્યા હતા. યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ભારતને ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી. સેટેલાઈટ ફોટાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. યુદ્ધ બાદ અટલ બિહારી વાજપેયી સરકારે ઈન્ડિયન ઈન્ટેલીજન્સન સંસ્થાની નિષ્ફળતાના સંદર્ભમાં તપાસ કરવા એક કારગિલ  સમીક્ષા કમેટીની રચના કરી હતી. આ કમીટીમાં જાણીતા વ્યુહાત્મક નિષ્ણાંતોને સામેલ કરાયા હતા. આ સમિતિને ભારતીય સુરક્ષા સાથે સંબંધિત તમામ લોકો સાથે વાતચીત કરવાની તક આપવામાં આવી હતી. આ કમિટીના અહેવાલ બાદ ઈન્ડિયન ઈન્ટેલીજન્સમાં મોટાપાયે ફેરફાર કરાયા હતા.

ભાગલા પહેલા કારગીલ અલગ રીતે જ ગણાતું હતું

કારગિલથી લડત ખૂબ જટીલ રહે છે

કારગિલ યુદ્ધને આજે ૧૯ વર્ષ પૂર્ણ થયા છે. આજે દેશભક્ત શહિદોને યાદ કરવામાં આવ્યા હતા. ખૂબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે, ૧૯૪૭માં ભારતના ભાગલા પહેલા કારગીલ લદાખના બાલ્ટીસ્તાન જીલ્લાના ભાગ તરીકે હતું. કારગીલ અલગ વસ્તી ધરાવનાર વિસ્તાર તરીકે હતું. ૧૯૭૧ના પાકિસ્તાન યુદ્ધ બાદ બન્ને દેશોએ સીમલા સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં એકબીજાની સરહદમાં દરમિયાનગીરી ન કરવા નિર્ણય લેવાયો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી. કારગીલ શહેર શ્રીનગરથી ૨૦૫ કિમીના અંતરે સ્થિત છે.નોર્ધન એરિયા અંકુશ રેખાની નજીક છે. અહીં તાપમાન પણ ખૂબ જટીલ રહે છે ઉનાળામાં તીવ્ર ગરમી અને શિયાળામાં તાપમાન રેકોર્ડ સપાટી પર પહોંચે છે. કારગીલને મુખ્યરીતે આતંકવાદીઓને ટાર્ગેટ બનાવવા પાછળ કેટલાક કારણો હતા. કારણકે અહીંયા લશ્કરી જવાનો હોતા નથી. આ ઉપરાંત અહીંથી કોઈની પણ સામે લડવાની બાબત ખૂબ જ સારી રહે છે અને ફાયદો મળે છે.

કારગિલ યુદ્ધ પ્રોફાઈલ.....

ભારતના ૫૨૭ જવાનો શહિદ થયા હતા

        નવી દિલ્હી,તા. ૨૬ : ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધમાં આખરે ભારતની જીત થઈ હતી આને ઓપરેશન વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્રણ યુદ્ધ વિમાનો પણ ગુમાવ્યા હતા. કારગીલ યુદ્ધ પ્રોફાઈલ નીચે મુજબ છે.

તારીખ.................................................................................... મે-જુલાઈ ૧૯૯૯

સ્થળ................................................................. કારગીલ જીલ્લા, કાશ્મીર, ભારત

પરિણામ.......................................................... પાકિસ્તાનની હાર, ભારતની જીત

અસર.................................... ભારતે પોતાના તમામ વિસ્તારો પર કબ્જો જમાવ્યો

 કારગીલ યુદ્ધમાં ભારત

ભારતના કમાન્ડર..................................................................... વેદપ્રકાશ મલીક

ભારતના જવાનો................................................................................. ૩૦૦૦૦

ભારત તરફથી મોતનો આંકડો................................................................... ૫૨૭

ભારતના ઘાયલ જવાનો......................................................................... ૧૩૬૩

ભારતવતી યુદ્ધ કેદી....................................................................................... ૧

ભારતે ફાઈટર જેટ ગુમાવ્યુ............................................................................. ૧

ફાઈટર જેટ તૂટી પડ્યું.................................................................................... ૧

હેલિકોપ્ટર તોડી પડાયું................................................................................... ૧

કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન

પાકિસ્તાનના કમાન્ડર................................................................. પરવેઝ મુશર્રફ

સેનાના જવાનો...................................................................................... ૫૦૦૦

પાકિસ્તાન વતી મોત....................................................................... ૩૫૭-૪૫૩

પાકિસ્તાનના ઘાયલ જવાન............................................................ ૬૬૫થી વધુ

યુદ્ધ કેદી........................................................................................................ ૮

અન્ય પાક દાવો.............................................................. ૧૦૦૦-૪૦૦૦ના મોત

કારગિલ યુદ્ધનો ઘટનાક્રમ

ત્રીજી મેના દિવસે લડાઇ શરૂ થઇ હતી

        નવી દિલ્હી, તા.૨૬ : ભારતમાં આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કારગીલ યુદ્ધની શરૂઆત ત્રીજી મેના દિવસે થઇ હતી અને સેનાએ ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ ઓપરેશન પૂર્ણ કરાયાની જાહેરાત કરી હતી. તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સેનાના જવાનોને ખદેડી અને તેમને મોતને ઘાટ ઉાતારી પોતાના વિસ્તાર પર ફરી કબજો જમાવ્યો હતો. કારગીલ યુદ્ધનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    ત્રીજી મે ૧૯૯૯ના દિવસે કારગીલમાં પાકિસ્તાની ઘુસણખોરી અંગે સ્થાનિક લોકોએ માહિતી આપી હતી.

*    પાંચમી મે ૧૯૯૯ના દિવસે ભારતીય આર્મી પેટ્રોલ ટીમ મોકલાવામાં આવી, પાંચ સૈનિકોને બાનમાં પકડી લેવામાં આવ્યા અને તેમના પર અમાનવિય કૃત્ય કરાયુ જેથી તેમનુ મોત થયુ

*    નવમી મેના દિવસે પાકિસ્તાની સૈનાએ ભારે ગોળીબાર કર્યો જેથી કારગીલમાં ભારતીય શસ્ત્રાાગારને નુકસાન થયુ

*    ૧૦મી મેના દિવસે દ્રાસ, કાકસર અને મુસખોહ સેક્ટરમાં મોટા પાયે ઘુસણખોરી દેખાઇ

*    મેના મધ્યમાં કાશ્મીર ખીણમાંથી ભારતીય સેનાએ જવાનોને કારગીલ સેક્ટરમાં ખસેડ્યા

*    ૨૬મી મેના દિવસે ભારતીય હવાઇ દળે ઘુસણખોરો સામે હવાઇ હુમલા કર્યા

*    ૨૭મી મેના દિવસે હવાઇ દળે બે ફાઇટગ વિમાનમિગ-૨૧ અને મિગ-૨૭ ગુમાવ્યા, અધિકારી નચિકેતાને પીઓડબલ્યુ તરીકે પકડી લેવાયા

*    ૨૮મી મેના દિવસે પાકિસ્તાને હવાઇ દળના એમઆઇ-૧૭ને તોડી પાડ્યું, જેમાં ચાર ક્રુના મોત થયા

*    પહેલી જુને પાકિસ્તાને હુમલા તીવ્ર બનાવ્યા અને એનએચ-૧એ પર હુમલો કર્યો

*    પાંચમી જુને ભારતીય સેનાએ દસ્તાવેજ જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની આમાં સંડોવણી છે અને પુરાવા રજૂ કર્યા

*    છ્ઠી જુને ભારતે કારગીલમાં ભીષણ હુમલા શરૂ કર્યા

*    નવમી જુને ભારતીય સેનાએ બટાલિક સેક્ટરમાં બે ચાવીરૂપ સ્થળો ફરી કબજામાં લીધા

*    ૧૧મી જુને ભારતીય સેનાએ તત્કાલીન પાકિસ્તાની સેના વડા પરવેઝ મુશર્રફ અને અન્યોની ફોન પર વાતચીતની ટેપ જારી કરી

*    ૧૩મી જુને ભારતીય તેનાએ દ્રાસમાં ટોલોલિંગ પર કબજો કર્યો

*    ૧૫મી જુને અમેરિકી પ્રમુખ ક્લિન્ટને ફોન પર પાકિસ્તાની વડાપ્રધાન શરીફને કારગીલમાંથી સેના પાછી ખેંચવા માટે કહ્યુ

*    ૨૯મી જુને ભારતીય સેનાએ બે મહત્વપૂર્ણ પોઇન્ટ ૫૦૬૦ અને પોઇન્ટ ૫૧૦૦ પર કબજો કર્યો અને પોઇન્ટ ટાઇગર હિલ નજીક છે

*    બીજી જુલાઇના દિવસે ભારતીય સેનાએ કારગીલમાં ત્રિપાંખીય હુમલો કર્યો

*    ચોથી જુલાઇના દિવસે ભારતીય સેનાએ ૧૧ કલાકની લડાઇ બાદ ટાઇગર હિલ પર કબજો જમાવ્યો

*    પાંચમી જુલાઇના દિવસે ભારતીય સેનાએ દ્રાસ પર કબજો જમાવ્યો, શરીફે ક્લિન્ટન સાથે તેમની બેઠક બાદ કારગીલમાંથી પાકિસ્તાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી

*    ભારતે બટાલિકમાં જુબેર હાઇટ્સ પર ફરી કબજો જમાવ્યો

*    ૧૧મી જુલાઇના દિવસે પાકિસ્તાને પાછા ખસી જવાની શરૂઆત કરી, ભારતે બટાલિકમાં ચાવીરૂપ ચોટીઓ પર કબજો મેળવ્યો

*    ૧૪મી જુલાઇના દિવસે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજય સફળ રહ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી

*    ભારત સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની શરત મુકી

*    ૨૬મી જુલાઇના દિવસે કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો, ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ત્રાસવાદીઓને ખદેડી મુક્યા હોવાની અને પોતાના વિસ્તાર પર સંપૂર્ણ કબજો જમાવ્યો હોવાની જાહેરાત કરી,  ભારતમાં જવાનોએ ઓપરેશન વિજયની ઉજવણી કરાઇ

(12:42 pm IST)