Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

હાફિઝ સઇદનું સપનુ રોળાયુ : તેના પુત્ર - જમાઇ પણ ચુંટણી હાર્યા

પાકિસ્તાની જનતાએ આતંકીઓના મનસૂબાને સંપૂર્ણપણે નકારી દીધા છે

ઇસ્લામાબાદ તા. ૨૬ : બુધવારે થયેલા મતદાન બાદ મતગણતરી શરૂ થઇ ગઇ હતી અને વલણોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. સાથે આ ચૂંટણીણાં પાકિસ્તાનીઓએ આતંકવાદીઓને નકારી કાઢ્યા છે.

પરિસ્થિતિ એ છે કે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનો એક પણ ઉમેદવાર લડાઇમાં કયાંય નથી દેખાઇ રહ્યાં. એટલે સુધી કે હાફિઝ સઇદના પુત્ર હાફિઝ તલ્હા અને જમાઇ ખાલિદ વલીદ પણ હારી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદે પાકિસ્તાનની ૨૬૫ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. વલણોમાં એકપણ સીટ પર હાફિઝ સઇદના ઉમેદવારની લીડ નથી દેખાઇ રહી. હાફિઝ સઇદે અલ્લાહ-ઓ-અકબર (એએટી) દ્વારા પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

વલણોના હિસાબથી કહી શકાય કે પાકિસ્તાનની જનતાએ આતંકીઓને સંસદ જતા રોકી દીધા છે, એટલે કે નકારી કાઢ્યા છે. આ કારણે હાફિઝ સઇદને પણ મોટો ઝટકો લાગ્યો છે, જે ચૂંટણીના માધ્યમથી પાકિસ્તાનમાં રાજ કરવાના ફિરાકમાં હતો.

પાકિસ્તાનની દરેક પ્રમુખ રાજકીય પક્ષો વચ્ચે મતભેદના કારણે હાફિઝ સઇદને લાગતુ હતું કે, આ વખતે પાકિસ્તાની પ્રત્યક્ષ રીતે નહી તો પરોક્ષ રીતે તેને વડાપ્રધાનની ખુરશી પર જરૂર લઇ આવશે પરંતુ તેનું સપનું રોળાયુ.

(12:38 pm IST)