Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ટ્રાન્સપોર્ટરો પાસેથી ટોલ હવે કદાચ કિમી પ્રમાણે વસૂલ કરાશે

આવો સંકેત રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ગઇકાલે દિલ્હીમાં વેપારી મંડળોના પ્રતિનિધિઓને આપ્યો હતો

કેન્દ્રના રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ.

નવી દિલ્હી તા. ૨૬ : કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ટોલ કિલોમીટરના આધારે લેશે જેથી ટ્રાન્સપોર્ટરો પર ટોલનો બોજો ઘટી જશે એવો સંકેત રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ વેપારી મંડળોના પ્રતિનિધિઓ સાથેની દિલ્હીમાં ગઇકાલે કરવામાં આવેલી એક મીટીંગમાં આપ્યો હતો.

ગઇકાલે મનસુખ માંડવિયા સાથે ટ્રાન્સપોર્ટરોની સમસ્યાની ચર્ચા કરવા માટે ખાદ્ય તેલ વ્યાપારી એસોસિએશન - મહારાષ્ટ્ર, એડિબલ ઓઇલ ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને બોમ્બે ગ્રેન ડીલર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ ગયા હતા. આ પ્રતિનિધિઓએ મનસુખ માંડવિયા સમક્ષ ટ્રાન્સપોર્ટરોની વિવિધ સમસ્યાની રજૂઆત કરી હતી.

આ સમયે મનસુખ માંડવિયાએ આ પ્રતિનિધિઓને ટ્રાન્સપોર્ટરોની ટોલ સિવાયની બધી જ માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે એમ જણાવ્યું હતું. આ બાબતની માહિતી આપતા ખાદ્ય તેલ વ્યાપારી એસોસીએશન - મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકર ઠક્કરેને કહ્યું હતું કે, 'અમારી એક કમિટિ ટોલ બાબતમાં સર્વે કરી રહી છે. આ કમિટિનો રિપોર્ટ આવતા જ ધોરી માર્ગો પર ટોલ કિલોમીટરના દરે લેવાનો સરકારે નિર્ણય લીધો છે જેથી ટ્રાન્સપોર્ટરો પર ટેકસનો બોજો ઘટી જશે અને ટોલ ભરવો સરળ બનશે.'

આ ચર્ચા દરમિયાન એડિબલ ઓઇલ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સુભાષભાઇએ આઠ વર્ષ જૂની ટ્રકો પર સરકાર તરફથી મુકવામાં આવેલા નિયંત્રણ બાબતમાં ફેરવિચારણા કરવાની દરખાસ્ત મૂકી હતી. એના જવાબમાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, આ બાબત પર યોગ્ય સંશોધન કરીને પછી એના પર જરૂરી પગલા લેવામાં આવશે.

(12:34 pm IST)