Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

યુપીમાં પહેલેથી જ દોડી રહી છે બુલેટ ટ્રેન !

CAGના રિપોર્ટમાં થયો ખુલાસો : ભારતીય રેલવેની એક એકસપ્રેસ ટ્રેન ૪૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપથી અલ્હાબાદ અને ફતેહપુર વચ્ચેના ૧૧૬ કિમીના અંતરને માત્ર ૧૭ મિનિટમાં જ પૂરૃં કરી લે છે

આગરા તા. ૨૬ : મોદી સરકાર હજારો કરોડોના ખર્ચે અમદાવાદથી મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરાવવા જઈ રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ બુલેટ ટ્રેન દોડતી હોવાની રિપોર્ટમાં સામે આવ્યું છે. જણાવી દઈએ કે ભારતીય રેલવેની એક એકસપ્રેસ ટ્રેન ૪૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપથી અલ્હાબાદ અને ફતેહપુર વચ્ચેના ૧૧૬ કિમીના અંતરને માત્ર ૧૭ મિનિટમાં જ પૂરુ્ં કરી લે છે. આ આંકડાઓ જોઈને તમે ચકિત જરૂર થઈ જશો પણ કેગના તાજેતરમાં કરેલા ઓડિટ દરમિયાન પેપર પર આ ડેટા મળી આવ્યા હતા.

CAGએ જયારે પ્રયાગરાજ એકસપ્રેસ, જયપુર-અલ્હાબાદ એકસપ્રેસ અને નવી દિલ્હી- અલ્હાબાદ દૂરંતો એકસપ્રેસની ડેટા એન્ટ્રીનું ઓડિટ કર્યું તો એમને બહુ અનિયમિતતા જોવા મળી. કેગના ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે ઈન્ટીગ્રેટેડ કોચિંગ મેનેજમેન્ટ સિસ્ટમમાં કેટલીય ખોટી એન્ટ્રી કરવામાં આવી છે. આઈસીએમએસ દ્વારા ટ્રેનના આવવા અને જવાના સાચા સમયને મોનિટર કરવામાં આવે છે. આ ડેટા નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમમાં પણ જોવા મળે છે અને ખોટા ડેટાના કારણે અલ્હાબાદ સ્ટેશન પર યાત્રીઓને ટ્રેનના આવવાનો ખોટો સમય બતાવે છે.

પોતાના રિપોર્ટ અંગે CAGએ કહ્યું કે, 'વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૩ ટ્રેનને અનુક્રમે ૩૫૪, ૩૪૩ અને ૧૪૪ દિવસ ચલાવવામાં આવી જેમાંથી તેમણે કેટલાક દિવસ ફતેહપુરથી અલ્હાબાદ વચ્ચે ૧૧૬ કિમીનું અંતર કાપવામાં ૫૩ મિનિટથી પણ ઓછો સમય લીધો.' કોઈ ટ્રેનને આ અંતર કાપવામાં ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જવું પડશે. કેગને જાણવા મળ્યું કે ૯ જુલાઈ ૨૦૧૬ના રોજ અલ્હાબાદ દૂરંતો એકસ્પ્રેસ સવારે ૫૫૩ વાગ્યે ફતેહપુર પહોંચી અને સવારે ૬.૧૦ વાગ્યે તે અલ્હાબાદ પણ પહોંચી ગઈ. આ હિસાબે દૂરંતો એકસપ્રેસએ ૧૧૬મીના અંતરને ૪૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ૧૭ મિનિટમાં જ પૂરું કર્યું.

આવી જ રીતે ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ જયપુર-અલ્હાબાદ એકસપ્રેસ સવારે ૫.૫૬ વાગ્યે ફતેહપુર પહોંચી જયારે અલ્હાબાદ પહોંચવાનો સમય ૫.૩૧ મિનિટ બતાવવામાં આવ્યો. પરંતુ એ દિવસના ટાઈમ ટેબલ પરથી જાણવા મળ્યું કે ટ્રેન ૩૬ મિનિટ મોડી પહોંચી હતી. આવા જ એક મામલામાં પ્રયાગરાજ એકસપ્રેસ ૭ માર્ચ ૨૦૧૭ના રોજ અલ્હાબાદ ૬.૫૦ મિનિટ પર પહોંચી જયારે ટાઈમ ટેબલના રેકોર્ડ મુજબ અલ્હાબાદથી એક સ્ટેશન પહેલા સૂબેદારગંજ પર ટ્રેન ૭.૪૫ વાગ્યે પહોંચી હતી.

(12:33 pm IST)