Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

માલ્યાને બ્રિટીશ કોર્ટનો તમાચોઃ અપીલની મંજુરી ન આપી

ભાગેડુને પડી રહ્યા છે એક પછી એક ફટકા

નવી દિલ્હી, તા. ૨૬ :. બ્રિટનની અપીલ કોર્ટે ત્યાંની હાઈકોર્ટના ચુકાદા સામે ભાગેડુ વિજય માલ્યાને અપીલ કરવાની મંજુરી આપવાની ના પાડી દીધી. જ્યારે સંપત્તિ માટેના નવા કાયદા હેઠળ સંપત્તિ જપ્ત કરવાના ભારત સરકારના નિર્ણય પછી તપાસનો સામનો કરવા તેણે સ્વદેશ પાછા આવવાની ઈચ્છા વ્યકત કરી છે.

બ્રિટીશ હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં માલ્યાની લગભગ ૧. ૧૪૫ અબજ પાઉન્ડની રકમ વસુલવા બાબતે ૧૩ ભારતીય બેંકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

જજ એંડ્રયુ હેનશોએ વિજય માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવા પર રોક લગાવવાની ના પાડતા તેને અપીલ કરવાનો અધિકાર આપવાની ના પાડી હતી. અપીલ કોર્ટના જજોએ માલ્યાની અરજી પર વિચાર કરીને કાલે ના પાડી દીધી હતી.

જૈવાલા એન્ડ કંપની એલએલપીના વરિષ્ઠ વકીલ કાર્તિક મીત્તલે કહ્યું કે અપીલને મંજુરી આપવાની મનાઈ પછી હાઈકોર્ટનો ચુકાદો ફાઈનલ થઈ ગયો છે. હવે માલ્યા પાસે તેની વિરૂદ્ધ અપીલ માટે કોઈ રસ્તો નથી.

મહિનાના આરંભે હાઈકોર્ટે માલ્યાનો ઝટકો દેતા પોતાના ચુકાદામાં કહ્યું કે, ૧૩ બેંકોનું સંગઠન વિજય માલ્યાની સંપત્તિઓની તપાસ અને કબ્જે લેવા માટે તલાશી લઈ શકે છે, સાથે જ કોર્ટે કહ્યુ કે બ્રિટીશ અધિકારીઓ તેની વિરૂદ્ધની કાર્યવાહી દરમ્યાન જરૂર પડે તો પોલીસની મદદ પણ લઈ શકે છે.

પોતાના હુકમમા કોર્ટે કહ્યું હતુ કે, તપાસ અધિકારી અને તેના હેઠળ કામ કરનાર કોઈ પણ તપાસ એજન્સીના અધિકારીને લંડનના હર્ટફોર્ડશાયરમાં આવેલી માલ્યાની સંપત્તિઓની તપાસ માટે પ્રવેશની પરવાનગી આપી દેવાઈ છે. જે તેની સંપત્તિઓની તપાસ અને જપ્તીની કાર્યવાહી કરી શકે છે. તેની સંપત્તિઓમાં વેલવિન વિસ્તારમાં તેવીન નામની જગ્યાએ લેડી વોક, બ્રામ્બલે લોજ પણ સામેલ છે, જ્યાં તેની જગ્યાઓ પર પ્રવેશની પરવાનગી છે.

માલ્યા ઉપર ભારતીય બેંકો સાથે લોનમાં ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી અને મની લોન્ડરીંગના આરોપ છે અને તે પોતાને ભારતને સોંપી દેવાની ભારતીય એજન્સીઓ તરફથી દાખલ થયેલ અરજીનો વિરોધ કરી રહ્યો છે. હાલ તો ૯ હજાર કરોડ રૂપિયાનો દેવાદાર વિજય માલ્યા છેલ્લા બે વર્ષથી લંડનમાં રહે છે.

બીજી બાજુ મીડીયા રીપોર્ટો મુજબ ઉદ્યોગપતિ માલ્યાએ ભારતની કેન્દ્રીય એજન્સીઓ અને સરકારને સ્વદેશ પરત ફરવાની ઈચ્છા જાહેર કરી છે. લોન ડીફોલ્ટ અને મની લોંડ્રીંગના આરોપોના લીધે માલ્યાને નાણાકીય ગુન્હા સાથે જોડાયેલ કેસનો સામનો કરવો પડશે. એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટના સૂચનો દ્વારા આ ખબર બહાર આવી છે.

ઈડીએ નવા કાનૂન હેઠળ માલ્યાની ૧૨૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવાની માગણી કરી છે ત્યાર પછી માલ્યા આ વિચાર કરતો હોય તેમ લાગે છે.(૨-૬)

(11:13 am IST)