Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

દિલ્હીમાં ત્રણ સગી બહેનોને ભૂખ ભરખી ગઇ!

પૂર્વ દિલ્હીના મંડાવલીમાં શરમજનક ઘટના : ભૂખથી મોત થયા હોવા અંગે ડોકટર્સને શંકા

નવી દિલ્હી તા. ૨૬ : નોર્થ દિલ્હીના મંડાવલીમાં ભૂખને કારણે ત્રણ માસૂમ બાળકીઓના મોત થઈ ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટર્સે જણાવ્યું કે, આ બાળકીઓના પેટમાં અનાજનો એક પણ દાણો નહોતો અને તેમણે ઘણા સમયથી પૌષ્ટિક ખોરાક લીધો નહોતો, જેના કારણે તે ખૂબ અશકત થઈ ગઈ હતી. મંગળવાર સવારે આ ત્રણે બાળકીઓ ભૂખના લીધે બેભાન હાલતમાં મળી હતી, પાડોશી તેમને હોસ્પિટલ લઈ ગયા, જયાં ડોકટર્સે તેમને મૃત જાહેર કરી દીધી. બાળકીઓનો પિતા તે દિવસથી જ ગાયબ છે અને માતા માનસિક રીતે અસક્ષમ હોવાને કારણે કોઈ સ્પષ્ટ જાણકારી નથી આપી રહી. પોલીસ હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, આ બાળકીઓના મૃત્યુ એક જ સમયે થયા કે પછી અલગ-અલગ સમયે. સરકારે આ બાળકીઓના મૃત્યુની તપાસ માટે ન્યાયિક તપાસના આદેશ આપી દીધા છે.

આ બાળકીઓ માનસી (૮), શિખા (૪) અને પારૂલ (૨)નું ડોકટરોની પેનલે બુધવારે ફરી પોસ્ટમોર્ટમ કર્યું. મંગળવારે થયેલા પ્રથમ પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે, બાળકીઓએ ઘણા દિવસોથી કંઈ ખાધું નથી, આવામાં ડોકટરોએ ભૂખના કારણે મોત થયા હોવા અંગે આશંકા વ્યકત કરી છે. મેડિકલ બોર્ડ ઝેર, ઈજા અથવા હત્યા જેવી આશંકાઓને નકારી છે. પેનલના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે. આંતરડા પણ તપાસ માટે લેબમાં મોકલવામાં આવી રહ્યાં છે. બુધવાર સાંજે ત્રણે બાળકીઓની બોડી તેમની માતાને સોંપી દેવામાં આવી છે. પાડોશીઓએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. DCP(ઈસ્ટ) પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, પોલીસ બાળકીઓના પિતાની શોધખોળ કરી રહી છે. પાડોશીઓનું કહેવું છે કે, બાળકીઓનો પતા (મંગલ) સોમવારે રાતે ઘરે હતો અને કામની શોધમાં બીજા દિવસ સવારે કયાંક ચાલ્યો ગયો. સવારે જયારે મંગલનો દોસ્ત તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, ત્રણે બાળકીઓ બેભાન પડી હતી અને માતા ઘરે જ હતી. આ જોઈને તેણે પાડોશીઓને બોલાવ્યા અને તેઓ બાળકીઓને મયૂર વિહાર ફેઝ ૨ સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ લઈ ગયા, જયાં ડોકટર્સે તેમને મૃત જાહેર કરી.

આ મૃત્યુથી દિલ્હી સરકારના દાવાઓની પોલ ખુલી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, જે વિસ્તારમાં આ બાળકીઓનો પરિવાર રહે છે તે વિસ્તાર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો વિધાનસભા વિસ્તાર છે.(૨૧.૫)

(11:10 am IST)