Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

૧૨ ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસ્યાઃ PMO-લાલ કિલ્લો નિશાના ઉપર

જૈશ-તોયબાએ ઘડયું છે પાટનગરને ધણધણાવવાનું ષડયંત્રઃ ગુપ્તચર માહિતિ બાદ એલર્ટ જારીઃ PMOમાં બોંબ રાખવા અને લાલ કિલ્લાને ફુંકી મારવા ભયાનક ઇરાદાઃ ૧૫ મી ઓગષ્ટ પહેલા કે તે દિવસે અંજામ આપવાની ખોફનાક યોજના

નવીદિલ્હી તા.૨૬: આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ તૈયબાના ૧૨ આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુકયા છે. જેમાં જૈશના ૫ અને લશ્કરના ૭ આતંકવાદીઓ છે. એવી શંકા છે કે આ વખતે બન્ને સંગઠનો ભેગા મળીને હુમલો કરવાની ફીરાકમાં છે. વડાપ્રધાનનું કાર્યાલય અને લાલ કિલ્લો તેમના ટાર્ગેટમાં છે. ગુપ્તચર એજન્સીઓએ ૧૫ ઓગષ્ટની તેયારીઓને અનુલક્ષીને એલર્ટ જાહેર કરી દીધું છે.

સુત્રોનું કહેવું છે કે, આ વખતે જોખમ થોડું વધારે છે. ટાર્ગેટ દિલ્હી છે, કારણકે ઘણા વર્ષોથી અહીં આતંકવાદીઓ કોઇ સફળતા નથી મેળવી શકયા. આ કારણે ઘણા આતંકવાદી સંગઠન દિલ્હીમાં કંઇક મોટુ કારસ્તાન કરવાની યોજનાઓ બનાવી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે યુપી એટીસ અને પશ્ચિમ બંગાર પોલીસે નોએડામાંથી પકડેલ જમાત-ઉલ- મુજાહીદીનના ર સંદિગ્ધ આતંકવાદી મામલામાં પણ દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમ કામ કરી રહી છે. તેમની તપાસ થઇ રહી છે કે તેમનો દિલ્હીમાં કોઇ ઘટના કરવાનો ઇરાદો હતો કે નહીં. સુત્રો એ કહયું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇ.એસ.આઇ. તેમને ટેકો આપી રહી છે. આ બાબતે દિલ્હી પોલીસને આઇબી, રો અને બીજી એજન્સીઓ તરફથી એલર્ટ મળી રહયાં છે. આ બાબતે વધુ જાણકારી આપવાની અધિકારીઓએ ના પાડી હતી. દિલ્હી પોલીસના સુત્રોનું કહેવુ છે કે અમને જે જાણકારીઓ મળી છે તે મુજબ આતંકવાદી દિલ્હીમાં કંઇક મોટુ કામ કરવાની તૈયારીમાં છે. ૧૫ ઓગષ્ટ પહેલા કે ૧૫ ઓગષ્ટે આતંકવાદી ઘટના કરવાની યોજના બનાવી રહયાં છે. તેમની યોજનાઓ પર પાણી ફેરવવા દિલ્હી પોલીસ સહિત દેશની ગુપ્તચર એજન્સીઓ હાઇ એલર્ટમાં આવી ગઇ છે. (૧.૫)

(12:37 pm IST)