Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ટેલિફોન એક્સચેંજ કેસમાં મારનના વાંધાને ફગાવાયા

મારન બંધુઓને ફરી એકવાર મોટો ફટકો પડ્યો : ટ્રાયલને જારી રાખવા તેમજ ૧૨ સપ્તાહની અંદર આરોપો ઘડવાનો કોર્ટને મદ્રાસ હાઈકોર્ટ તરફથી આદેશ કરાયો

ચેન્નાઈ,તા. ૨૫ : પૂર્વ કેન્દ્રીયમંત્રી દયાનિધિ મારન અને તેમના ભાઈ કલાનિધિ મારનને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, મદ્રાસ હાઈકોર્ટે દશક જુના ગેરકાયદે ટેલિફોન એક્સચેંજ કેસમાંથી તેમને ડિસ્ચાર્જ કરવાના ખાસ અદાલતના આદેશને પડકાર ફેંકીને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સામે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને આજે ફગાવી દીધા હતા. જસ્ટિસ જી જયચંદ્રને સીબીઆઈ કેસ માટે ખાસ અદાલતમાં ફરીવાર વાત કરી હતી. જસ્ટિસ જી જયચંદ્રને ટ્રાયલ ચાલુ રાખવા કોર્ટને આદેશ કર્યો હતો. ૧૨ સપ્તાહની અંદર આરોપો ઘડવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મદ્રાસ હાઈકોર્ટે આદેશ કર્યો છે. તેના પરિણામ સ્વરુપે મારન બંધુ સહિત તમામ સાત આરોપી સીબીઆઈ કેસ માટે ખાસ અદાલત સમક્ષ ટ્રાયલનો સામનો કરશે. ૧૪મી માર્ચના દિવસે ખાસ જજ નટરાજને કહ્યું હતું કે, આ કેસમાંથી તમામ સાત આરોપીને ડિસ્ચાર્જ કરી ચુક્યા છે. કારણ કે, તેમની સામે આરોપો પુરવાર થાય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. સીબીઆઈના કહેવા મુજબ દયાનિધિ મારન જૂન ૦૦૪થી ડિસેમ્બર ૨૦૦૬ વચ્ચેના ગાળામાં જ્યારે તેઓ દૂરસંચાર અને માહિતી પ્રધાન હતા ત્યારે તેમની પોસ્ટનો દુરુપયોગ કર્યો હતો અને ચેન્નાઈમાં પોતાના આવાસ ઉપર પ્રાઇવેટ ટેલિફોન એક્સચેંજ સ્થાપિત કરીને ચર્ચા જગાવી હતી. સાથે સાથે કલાનિધિની માલિકીના સન નેટવર્કને આવરી લેતા બિઝનેસ કારોબાર માટે તેનો ઉપયોગ કર્યો હતો. સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, આના કારણે તિજોરીને ૧.૭૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બોર્ડ ક્લબ અને ગોપાલપુરમમાં મારનના નિવાસસ્થાને ૭૦૦થી વધુ ટેલિફોન લાઈનો મુકવામાં આવી હતી જેના લીધે તિજોરીને અભૂતપૂર્વ નુકસાન થયું હતું.

(12:00 am IST)