Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

પાકમાં મતદાન પૂર્ણ : ઇમરાનની પાર્ટીની શરૂઆતી લીડથી ઉત્સુકતા

હિંસાની ઘટનાઓ અને ઝપાઝપી વચ્ચે પાકિસ્તાનમાં મતદાનઃ ૧૭૧ મહિલા ઉમેદવાર સહિત ૩૪૫૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા મોટી સંખ્યામાં મતદારો બહાર નિકળ્યા : ત્રાસવાદી હાફીઝે પણ મત આપ્યો

ઇસ્લામાબાદ,તા. ૨૫: પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સુરક્ષા અને વ્યાપક હિંસા વચ્ચે આજે મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ સામાન્ય ચૂંટણીમાં મતોની ગણતરી શરૂ થઇ હતી. ધારણા પ્રમાણે જ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાનને લીડ મળી રહી છે. ઇમરાન ખાનની પાર્ટી તહેરીકે ઇન્સાફે શરૂઆતમાં જ ૭૦થી વધુ સીટો ઉપર લીડ મેળવીને જીત તરફ આગેકૂચ કરી હતી જ્યારે મુખ્ય વિરોધ પક્ષ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગે પણ ૪૬ સીટમાં અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીએ ૨૮ સીટો ઉપર લીડ મેળવી હતી. પ્રારંભિક પ્રવાહ મુજબ ઇમરાન ખાનને લીડ મળી રહી છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ૨૭૨ સીટો રહેલી છે. સામાન્ય ચૂંટણીમં મુખ્ય સ્પર્ધા ઇમરાન અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે રહેલી છે. કોઇને પણ સ્પષ્ટ બહુમતિ મળવાની શક્યતા દેખાઈ રહી નથી. અગાઉ પાકિસ્તાનમાં સઘન સુરક્ષા વ્યવસ્થા અને અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે આજે સવારે મતદાન શરૂ થયુ હતુ. કેટલાક ટોપના નેતાઓએ શરૂઆતી કલાકોમાં જ મતદાન કરીને લોકોનો ઉત્સાહ વધારી દેવા માટે અપીલ કરી હતી. પાકિસ્તાનમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને આજે જાહેર રજા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીની સાથે સાથે પ્રાંતીય ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. સંસદ માટે કુલ ૩૪૨ સીટો છે. જેમાં ૭૦ સીટો પહેલાથી જ અનામત છે. પાકિસ્તાનના આઠ ક્ષેત્રોમાં સવારે મતદાનને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ચૂંટણીમાં ત્રણ મુખ્ય ચહેરા છે. જેમાં પીએમએલ-એનના નેતા શાહબાજ શરીફ, પીટીઆઇના ઇમરાન ખાન અને પીપીપીના બિલાવલ ભુટ્ટોનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી જ કોઇ એકની પાર્ટી સરકાર બનાવશે. મતદાન પહેલા જ પાકિસ્તાનના લોકપ્રિય અખબાર ડોનના કહેવા મુજબ ઇમરાન ખાનનુ આ વખતે વડાપ્રધાન બનવાનુ સપનુ પૂર્ણ થઇ શકે છે. દરમિયાન નોબેલ પુરસ્કાર વિજેતા મલાલાએ બહાર નિકળીને મોટા પાયે મતદાન કરવા મહિલાઓને અપીલ કરી હતી. છેલ્લી ચૂંટણીમાં પીએમએલ-એન દ્વારા એકલા હાથે ૧૭૦ સીટો જીતી લેવામાં આવી હતી. પંજાબ પ્રાંતમાં સૌથી વધારે વસ્તી છે. સંસદની કુલ ૨૭૨ સીટો પૈકી ૧૪૭ સીટો પંજાબમાં છે. અહીં શાંતિપૂર્ણરીતે મતદાનના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ચૂંટણી હિંસા થઇ હતી.  પાકિસ્તાનમાં ૧૦ કરોડ ૫૯ લાખ મતદારો  પૈકી મોટા ભાગના મતદારો સવારમાં જ મતદાન કરવા માટે બહાર આવ્યા હતા. ચાર કરોડ ૬૭ લાખ મહિલા મતદારો નોંધાઈ હતી જે પૈકી મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન કરવા બહાર આવી હતી. નવાઝ શરીફના માતા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત લશ્કરે તોઇબાનો લીડર અને મુંબઈ બ્લાસ્ટનો અપરાધી કુખ્યાત હાફીઝ સઇદે પણ મતદાનમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા મોડી સાંજે પૂર્ણ થઇ હતી. છ વાગે સુધીની મતદાન માટેનો સમય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિંગ બુથની અંદર રહેલા લોકોને જ મતદાન માટે તક આપવામાં આવી હતી. ચૂંટણીમાં ૭.૫ લાખ સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી. મતદાન શરૂ થતાની સાથે પાકિસ્તાનની ચૂંટણીમાં મેદાનમાં રહેલા  ૩૪૫૯ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. ૧૭૧ મહિલા ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા.  કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તૈયારી કરવામાં આવી હતી.  તમામ અશાંત ક્ષેત્રોમાં ખાસ સુરક્ષા છેલ્લા કેટલાક દિવસ પહેલા જ ગોઠવી દેવામાં આવી હતી.  પાકિસ્તાનમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ૭૧ વર્ષમાં ૪૫ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. જ્યારે બાકી ૨૬ વર્ષમાં સૈન્ય શાસન રહ્યુ છે. પાકિસ્તાનમાં સૌથી કમનસીબ બાબત એ છે કે ત્યાં ૨૯ વડાપ્રધાન થઇ ચુક્યા છે પરંતુ કોઇ પણ વડાપ્રધાને તેમની અવધિ પૂર્ણ કરી નથી. સૌથી ઓછી અવધિ ચાર દિવસની રહી છે જ્યારે સૌથી વધારે અવધિ ૧૫૪૭ દિવસની રહી છે.  જનરલ અયુબ ખાન ૧૯૫૮માં ચાર દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ  પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરીને ૧૪ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચલાવ્યુ હતુ. પાકિસ્તાનમાં ચાર દિવસથી લઇને ૧૫૪૭ દિવસો સુધી વડાપ્રધાનની અવધિ રહી છે. લિયાકત અલી સૌથી વધારે સમય સુધી એટલે કે ૧૫૨૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. મોહમમ્દ અલી ૮૪૭ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જુલ્ફીકાર અલી ભુટ્ટો ૧૪૨૧ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. નવાઝ શરીફ ૮૯૪ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. બેનેઝીર ભુટ્ટો ૧૧૧૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. પાકિસ્તાનમાં આજે મતદાન થયા બાદ ૧૭૧ મહિલા ઉમેદવાર સહિત ૩૪૫૯ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. મોડી સાંજે મતગણતરી શરૂ થઇ હતી. આ વખતે કુલ ૧૦ કરોડ ૫૯ લાખ મતદારો નોંધાયા હતા.

(12:00 am IST)