Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મેં પંખો હલાવવાનું નહોતુ કહ્યું, ડોક હલાવવાની હતીઃ આફ્રિકાના યુગાન્ડામાં નરેન્‍દ્રભાઇ મોદીઅે બિઝનેસ ફોરમની બેઠકમાં જોક સંભળાવીને ભારતીય મશીનરીના વખાણ કર્યા

કમ્‍પાલાઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દક્ષિણ આફ્રિકાના યુગાન્ડામાં બિઝનેસ ફોરમની મિટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચન આપ્યુ હતું.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં યુગાંડાના વિકાસમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી અને એક જૉક સંભળાવીને ભારતના પ્રતિસ્પર્ધી દેશો પાસેથી સસ્તો સામાન ખરીદવાના નુકસાન પણ જણાવ્યા.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆ આફ્રિકાના સંઘર્ષ સમયથી કરી. તેમણે કહ્યું કે, ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે આફ્રિકા સંઘર્ષ કરી રહ્યો હતો, કોઈ દેશને યુગાંડાની પરવા નહોતી. આફ્રિકાના સંકટ તરફ જોવાની કોઈને ચિંતા નહોતી. એક ભારત જ એવો દેશ હતો જે યુગાંડા સાથે ઉભો હતો. ત્યારે યુગાંડા સાથે કોઈ લેવડ-દેવડ નહોતી પણ આપણે માનવીય મૂલ્યોને આધારે આમ કર્યું.

પીએમ મોદીએ ભારતની મશીનો મોંઘી હોવાનું કારણ સમજાવવા માટે એક વાર્તા કહી. તેમણે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારે એક જૉક સાંભળવામાં આવતો હતો. એક બસ સ્ટોપ પર ગરીબ છોકરો પંખા વેચી રહ્યો હતો, જે એક રુપિયામાં પંખો આપી રહ્યો હતો. બીજો છોકરો આઠ આનામાં પંખો વેચી રહ્યો હતો અને ત્રીજો ચાર આનામાં. એક વ્યક્તિએ ચાર આનાનો પંખો ખરીદ્યો પણ 3-4 વાર પંખો હલાવ્યો અને પંખો તૂટી ગયો. તેણે પંખા વાળાને પકડ્યો અને ફરિયાદ કરી તો પંખા વાળાએ કહ્યું કે, મેં પંખો હલાવવાનું નહોતુ કહ્યું, ડોક હલાવવાની હતી.

તેમણે આગળ જણાવ્યું કે, આ જ રીતે શરુઆતમાં વસ્તુ મોંઘી હોઈ શકે પરંતુ તે લાંબો સમય સુધી ચાલશે. સસ્તી વસ્તુ ખરીદશો તો મહિનાઓ સુધી તે ખરાબ રહેશે, કારણકે તેને રિપેર કરવા વાળા પણ તે જ દેશથી આવશે. હું વિશ્વાસ અપાવુ છું કે ઝીરો ડિફેક્ટ સાથે અમે તમને મશીન અને ટેક્નોલોજી આપવા તૈયાર છીએ. તે શરુઆતમાં મોંઘી હશે, લોકો કહેશે કે આ કેવી સરકાર છે, મોંઘી વસ્તુ આપે છે. પણ નક્કી તમારે કરવાનું છે કે પંખો હલાવવો છે કે ડોક હલાવવી છે?

વડાપ્રધાને કહ્યું કે, પ્રાકૃત્તિક સંસાધનો વધારવાના પ્રયત્નો કર્યા વિના આપણે આગળ નથી વધી શકતા. યુગાંડા પાસે હજારો એકર જમીન છે, જ્યાં કેમિકલનું એક ટીપું પણ નથી પડ્યું. અમે યુગાંડામાં પૈસા ખર્ચ કરવા માટે અને પરસેવો પાડવા તૈયાર છીએ, જેથી યુગાંડાના લાભ મળે અને દુનિયા પણ સ્વસ્થ રહે.

(12:00 am IST)