Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

શું ખરીદી રહ્યા છે લોકો?

કોરોનાએ બદલી નાખ્યો શોપિંગનો ટ્રેન્ડ

નવી દિલ્હી, તા.૨૬ કોવિડ-૧૯ વાયરસ મહામારીના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના પગલે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓની ગ્રામ્ય અને શહેરી માંગમાં સ્પષ્ટ અંતર આવવાની શક્યતા છે.ગામો અને નાના શહેરોમાં જ્યાં નાના પેકિંગવાળી વસ્તુઓની માગ વધી શકે છે, તો મોટા શહેરોમાં લોકો મોટા પેકિંગવાળો સામાન વધુ ખરીદવા જશે. નેસ્લે, ડાબર, ગોદરેજ, પારલે અને વિપ્રો જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓનું માનવું છે કે, જેમ જેમ વસ્તુઓની આપૂર્તિ નાના શહેરોમાં સુધરશે, ત્યાં સસ્તામાં મળતા નાના પેકિંગ (પીપીપી)વાળા સામાનનું વેચાણ વધી શકે છે. બીજી તરફ શહેરી વિસ્તારો ખાસ કરીને મેટ્રો શહેરોમાં ગ્રાહકો મોટા પેકિંગવાળા સામાન ખરીદતા હોવાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે.

કોવિડ-૧૯ના કારણે ગ્રાહકોનું છૂટક વેચાણ કરતી દુકાનો કે હાઈપરમાર્કેટમાં જવાનું ઓછું થયું છે.જે જઈ રહ્યું છે, તે પણ એક વખતમાં મોટા પેકિંગનો વધુમાં વધુ સામાન લેવાને મહત્ત્વ આપી રહ્યું છે. કંપનીઓનું કહેવું છે કે, શહેરોમાં મોટા પેકિંગનો સામાન ખરીદવાનું વલણ આગામી કેટલાક મહિના સુધી જળવાઈ રહે તેવી શક્યતા છે. કેમ કે ગ્રાહકોને બીમારી ફરી પાછી આવવાનો ડર રહેશે. નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણ મુજબ, આ મહામારી ગ્રામ્ય વિસ્તારોમાં લોકપ્રિય કિંમત પર ઉપલબ્ધ ઉત્પાદન (પીપીપી)નું વેચાણ વધવાની તક પણ આપે છે. કેમ કે આર્થિક અનિશ્ચિતતાને પગલે ગ્રાહક ઘણી સાવચેતીથી રૂપિયા ખર્ચ કરશે. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં નાના પેકિંગમાં સામાનોનો વેપાર સારો રહી શકે છે.

નારાયણ મુજબ, જે પ્રવાસી મજૂર ગામોમાં પાછા આવી રહ્યા છે, તે શહેરોમાં બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતા રહ્યા છે અને સારી રીતે બ્રાન્ડને ઓળખે છે. તે એ બ્રાન્ડેડ વસ્તુઓની ગ્રામ્ય વિસ્તારોમાં માગ કરી શકે છે. એ જ રીતે ડાબર ઇન્ડિયાના મુખ્ય ફાઈનાન્સ ઓફિસર લલિમ મલિકે કહ્યું કે, લાખો પ્રવાસી મજૂરો નાના-મોટા ગામડા તરફ પાછા આવી રહ્યા છે. તેઓ ત્યાં ઓછી કિંમતોવાળી વસ્તુઓની માગ કરી શકે છે. તે ઉપરાંત સરકારે મનરેગા અંતર્ગત રાહત આપવાને પગલે ગામડાઓમાં માગ વધવાની શક્યતા છે. ગોદરેજ કન્ઝુમર પ્રોડક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિવેક ગંભીર મુજબ ગ્રામ્ય અને શહેર બજારોની સ્પષ્ટ વહેંચણી થવાની આશા છે. શહેરોમાં જ્યા લોકો મોટા પેકિંગનો સામાન ખરીદશે. તો નાના શહેરોમાં ગ્રાહકો સસ્તા અને નાના પેકિંગના સામાનની માગ કરી શકે છે.

(3:39 pm IST)