Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જમ્મુ કાશ્મીરના સવાસો કેદીઓને અમીતભાઇએ ઇદની યાદગાર ભેટ આપી

શ્રીનગર, તા.૨૬: દેશના જુદા જુદા રાજયોની જેલોમાં બંધ રહેલા જમ્મુ-કાશ્મીરના ૧૨૨ કેદીઓને ઇદના દિવસે ઘરે ફોન કરવાની છૂટ આપવામાં આવી હતી. ગૃહમંત્રી અમિતભાઇ શાહના કહેવાથી આમ કરવામાં આવ્યુ હતુ. ગૃહમંત્રીએ હાલમાં જ વિવિધ જેલોમાં રહેલા કાશ્મીરીઓની યાદી તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. આ માહિતી સરકારી અધિકારીએ આપી હતી.

આતંકવાદ સિવાયના ગુનાના આરોપીઓને આ છુટ અપાયેલ છે. સરકારે કાશ્મીરના કેદીઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે.

ઇદના પ્રસંગે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ ત્રણ રાજયોની જેલના ૧૨૨ કેદીઓને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની છૂટ મળી હતી.

અધિકારીએ કહ્યું કે આ પ્રયાસ કાશ્મીરી કેદીઓ અને તેમના પરિવારોના જીવનમાં થોડી ખુશીઓ લાવવાનો હતો. અન્ય કેદીઓથી વિપરીત, કાશ્મીરના કેદીઓમાં તાર્કિક કારણોસર ઘણા મુલાકાતીઓ આવતા નથી. એવું માનવામાં આવે છે કે સરકાર આતંક સંબંધિત કેસોમાં આરોપી ન હોય તેવા કેદીઓ પ્રત્યે સહાનુભૂતિ ભર્યા વર્તન અપનાવવા જઇ રહી છે.

(12:48 pm IST)