Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીની આર્મી વચ્ચે સૌથી મોટું ઘર્ષણ થવાના અણસાર

લદાખમાં LAC ખાતે ૨૫૦૦ ચીની સૈનિકોનો ખડકલો, ભારતે પણ વધાર્યુ સંખ્યા બળ

નવી દિલ્હી, તા.૨૬: ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ચીન આર્મી દ્વારા લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ૨,૦૦૦થી ૨,૫૦૦ સૈનિક તૈનાત કર્યા બાદ ભારતીય સેના પણ ત્યાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. મળતા રિપોર્ટ મુજબ, ભારતીય સેના આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે, જેથી પીપલ્સ લિબરેશન આર્મી અન્ય ક્ષેત્રોમાં અતિક્રમણનો પ્રયાસ ન કરે. નોંધનીય છે કે, ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનું આ સૌથી મોટું ફેસ-ઓફ હોઈ શકે છે.

ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે ભારત પેનગોન્ગ ત્સો અને ગલવાન વેલીમાં સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. આ બંને વિસ્તારમાં ચીને કામચલાઉ બાંધકામનું કામ શરૂ કરવાની સાથોસાથ ધીમે-ધીમે ૨,૦૦૦થી ૨,૫૦૦ સૈનિકોને ખડકી દીધા છે.

નામ ન આપવાની શરતે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ચીન કરતાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું સંખ્યા બળ ઘણું મજબુત કહી શકાય તેવું છે. ભારત માટે સૌથી વધુ ચિંતાનું કારણ KM120 પોસ્ટ આસપાસના વ્યૂહાત્મક રીતે અગત્યના પોઇન્ટ્સની આસપાસ ચીની સૈનિકોની હાજરી છે.

LACની પાસે ચીન આર્મીની હલચલ અને સંખ્યા સતત વધતી જઈ રહી છે. આર્મીને મોટાપાયે અભ્યાસ માટે તૈનાત કરી દેવામાં આવી છે. એવામાં ભારતીય સેનાએ પણ સૈનિકોને ૮૧ અને ૧૧૪ બ્રિગેડ હેઠળ આવનારા ક્ષેત્રોમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક શોર્ટ નોટિસ પર તૈનાત કર્યા છે જેથી દૌલત બેગ ઓલ્ડી અને આસપાસના વિસ્તારોમાં ચીનના દાવાનો સામનો કરી શકાય.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ભારતીય સેનાના સૂત્રોએ કહ્યું કે ચીની સૈનિક અને ભારે વાહનો વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ પૈંગોગ સૌ લેક અને ફીંગર એરિયાની પાસે લઈને આવ્યા છે. તેઓ ભારતીય ક્ષેત્રની અંદર ઘૂસી ગયા છે. ગાલવાન વિસ્તારમાં ચીની આર્મીએ ટેન્ટ ઊભા કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય ચોકીઓના વિપરિત ક્ષેત્રમાં ચીન રોડ બનાવવાનું કામ કરી રહ્યું છે, જેને લઈને ભારતીય પક્ષ તરફથી આપત્ત્િ। પણ વ્યકત કરવામાં આવી હતી, પરંતુ તેઓ ન માન્ય. ગાલવન ક્ષેત્રમાં ભારતીય સેના ઈન્ડિયન પેટ્રોલિંગ પોઇન્ટની પાસે એક પુલનું નિર્માણ કરી રહી છે, જેની પર ચીને આપત્તિ વ્યકત કરી એન ત્યાં પોતાની ઉપસ્થિતિ વધારી દીધી.

કોઈપણ સમયે ભારતીય પોસ્ટ KM 120 પર આર્મી અને ભારત-તિબેટ સીમા પોલીસ બંનેના ૨૫૦ સૈનિક તૈનાત હોય છે, કારણ કે કાફલાઓ ત્યાંથી પસાર થતા હોય છે. હવે ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે પોસ્ટ પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ કમાન્ડર એન વરિષ્ઠ નેતૃત્વ વહેલી તકે ગતિરોધનો ઉકેલ લાવવા માટે ચીન ની સાથે વાત કરી રહ્યા છે, પરંતુ ચીન દ્વારા દાખવવામાં આવી રહેલા આકરા વલણના કારણે તેમાં ખાસ પ્રગતિ થઈ નથી.

(3:23 pm IST)