Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ટુરિઝમ, હોટલ અને મનોરંજન સેકટરમાં લાખો નોકરીઓ જોખમમાં

એક વર્ષ સુધી ટેક્ષ હોલીડે અને સોફટ લોન આપવા કેન્દ્ર પાસે માંગણી

નવી દિલ્હી તા. ર૬: સરકારના ર૦ લાખ કરોડ રૂપિયાનાં પેકેજમાં કંઇપણ રાહત ન મળતા નારાજ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરન્ટ અને હોટલ તથા મનોરંજન સેકટરે સરકારને કહ્યું છે કે કંઇ ન આપો તો અમને એક વર્ષનો ટેક્ષ હોલીડે એટલે કરમાં છુટ અને સોફટ લોનની સગવડ તો મળવી જ જોઇએ. આવું નહીં થાય તો આ સેકટરોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની શકયતા છે. તેનાથી કોરોના સંકટ અને લોકડાઉનના વાતાવરણમાં દેશમાં બેરોજગારી વધશે.

આ ત્રણે સેકટરોના દિગ્ગજોએ સરકારને કહ્યું છે કે તેણે રાહત પેકેજની જે જાહેરાત કરી છે તેમાં અમારા માટે ફદિયું પણ નથી. તેમનું કહેવું છે કે ઘણાં ધંધાઓ લોકડાઉન ૪.૦ માં પણ નથી ખુલી શકયા. ટુરીઝમ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. રેસ્ટોરંટને ફકત હોમ ડીલીવરીની છૂટ મળી છે. મલ્ટીપ્લેક્ષ, સિનેમા ઘરો ખોલવાની મનાઇ છે. સલૂન, વેલનેસ સેન્ટરો બંધ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનું કામકાજ ઠપ થઇ ગયું છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની શકયતા છે. ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ જયોતિ માયલનું કહેવું છે કે અત્યારે ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલી કંપનીઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. સરકારે કંઇક તો રાહત આપવી જોઇએ. કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) નું કહેવું છે કે જો રાહત પેકેજ નહીં મળે તો ફકત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ સેકટર માં જ લાખો લોકો બેરોજગાર થઇ શકે છે.

(11:26 am IST)