Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ટ્રાવેલ-ટૂરીઝમની ૪૦ ટકા કંપનીઓને ૩-૬ મહિનામાં તાળા લાગી જશે

૩૬ ટકા કંપનીઓએ હંગામી ધોરણે શટડાઉન કરી દેવું પડશે : સર્વે : ૮૧ ટકા ટ્રાવેલ-ટૂરિઝમ કંપનીઓની આવક ૧૦૦ ટકા બંધ થઇ ગઇ છે અને ૧પ ટકા કંપનીઓની આવકમાં ૭પ ટકા સુધીનો ઘટાડો : ૩૮.૬% કંપનીઓ નોકરીઓમાં છટણી કરશે અને અન્ય ૩૭.૬% કંપનીઓ પણ છટણી કરવા વિચારી રહી છે

નવી દિલ્હી, તા. ર૬ : એક રિપોર્ટ અનુસાર દેશની ટ્રાવેલ અને ટૂરિઝમ સેકટરની ૪૦ ટકા કંપનીઓને આગામી ત્રણથી છ મહિનામાં તાળા લાગી જશે તેવી ભીતિ છે. કોરોનાને પગલે બે મહિનાના લોકડાઉન અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ બંધ હોવાથી આ કંપનીઓને ભારે નુકશાન થયું છે.

બીઓટીટી (BOTT) ટ્રાવેલ સેન્ટિમેન્ટ ટ્રેકર દ્વારા સાત નેશનલ એસોસિએશન્સ (IATO, TAAI, ICPB, ADTOI, OTOAI, ATOAI અને SITE) સાથે મળીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું આ તારણ છે. રિપોર્ટ અનુસાર ૩૬ ટકા કંપનીઓએ હંગામી ધોરણે શટડાઉન કરી દેવું પડશે.

૮૧ ટકા ટ્રાવેલ-ટૂરિઝમ કંપનીઓની આવક ૧૦૦ ટકા બંધ થઇ ગઇ છે અને ૧પ ટકા કંપનીઓની આવકમાં ૭પ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે.

બીઓટીટી ટ્રાવેલ સેન્ટિમેન્ટ ટ્રેકરે દેશભરમાં ટ્રાવેલ અને ટૂરિઝમ બિઝનેસના ર૩૦૦થી વધુ માલિકો અને પ્રતિનિધિઓનો ઓનલાઇન સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર કોરોનાને કારણે આ સેકટરને મોટું નુકશાન થયું છે અને ૪૦ ટકા કંપનીઓને ત્રણથી છ મહિલાનામાં તાળા લાગી જશે તેવું જોખમ છે. અન્ય ૩પ.૭ ટકા કંપનીઓએ પણ થોડા સમય માટે તો બિઝનેસ બંધ જ કરી દેવો પડે તેવી સ્થિતિ છે.

૩૮.૬ ટકા કંપનીઓ નોકરીઓમાં છટણી કરશે અને અન્ય ૩૭.૬ ટકા કંપનીઓ પણ છટણી કરવા વિચારી રહી છે કારણ કે હજી અનિશ્ચિતતાનો માહોલ છે. લોકડાઉન ખૂલ્યા પછી શું થશે તેની કોઇને ખબર નથી.

ટ્રાવેલ અને ટૂરિઝમ સેકટર ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. આ સેકટર સાથે જોડાયેલા લાખો લોકોને નોકરી સહિત ખાસ્સુ નાણાકીય નુકસાન થયું છે.

આ સેકટરમાં આગામી સમયમાં મોટાપાયે શટડાઉનની સંભાવના છે અને અનેક લોકોએ નોકરી ગુમાવવી પડશે તેવી સ્થિતિ છે. અનેક કર્મચારીઓના સમયસર પગાર નહીં થાય અને અનેકના કોન્ટ્રેકટ રદ થશે.

ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જયોતિ મયાલે કહ્યું હતું કે, અત્યારે અભૂતપૂર્વ સ્થિતિ ઉભી થઇ છે અને સરકારે આ સેકટરને રાહત આપવી જોઇએ.

સર્વે અનુસાર આ સેકટરની ૩૭ ટકા કંપનીઓએ પગારમાં કાપ, પગારમાં વિલંબ, કોન્ટ્રેકટ રદ કરવા જેવા પગલા લઇ લીધા છે. જયારે ૬૭ ટકા કંપનીઓએ વિવિધ પ્રકારે ખર્ચ ઘટાડયો છે. ૪૯ ટકા કંપનીઓએ મૂડીખર્ચ પડતો મૂકયો છે. ૪૧.૬ ટકા કંપનીઓએ નવી સર્વિસ શરૂ કરી દીધી છે.

દરમિયાન ૭૮.૬ ટકા કંપનીઓએ સરકાર પાસે તાત્કાલીક રાહતની માંગણી કરી છે. ૬૮.ર ટકા કંપની એરલાઇન્સ પાસેથી કેન્સલેશનના રિફંડની માંગણી કરી રહી છે. ૬૭.૭ ટકા કંપની જીએસટીમાં પ ટકા ઘટાડો ઇચ્છે છે. પ૪.ર ટકા કંપનીઓ ટર્મ લોન પર ઇએમઆઇમાં ૧ર મહિનાનું મોરેટોરિયમ ઇચ્છે છે.

(11:26 am IST)