Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોનાના દર્દીઓ બરાબર છતાં દિલ્હી કરતાં ગુજરાતમાં મોતનો આંકડો વધુ કેમ?

દિલ્હીમાં ર૭૧ના મોત જયારે ગુજરાતમાં ૮પ૮ના મોત

નવી દિલ્હી તા. ર૬ :... ગુજરાતમાં ૧૪૦પ૬ કોરોના દર્દીઓમાંથી ૮પ૮ના મોત થયા જયારે દિલ્હીમાં ૧૪૦પ૩ દર્દીઓમાંથી ર૭૧ ના મોત થયા છે. એટલે કે કોરોના ના કારણે મોત ગુજરાતમાં ૬.૧૦ ટકા થયા છે. તો દિલ્હીમાં ૧.૯ર ટકાના જ મોત થયા છે. ડોકટરોનું કહેવું છે કે બન્ને રાજયોમાં દર્દીઓની સંખ્યા સરખી હોવા છતાં દિલ્હીમાં ઓછા મોત થવાનું કારણ અહીંના લોકોની જાગૃતિ, સારી આરોગ્ય સેવાઓ અને ઓકસીજનની ઉપલબ્ધી હોઇ શકે છે.

દિલ્હી સરકારના કોવિદ સલાહકાર અને આઇએલબીએસના ચેરમેન ડોકટર એસ. કે. સરીને કહયું કે આની પાછળ ત્રણ કારણો હોઇ શકે છે.  ઝડપી રોકવો, ઓકસીજનની ઉપલબ્ધતા અને સારી ગુણવતાવાળી મેડીકલ ટીમ. તેમણે કહયું કે દિલ્હીમાં લોકો આરોગ્ય બાબતે બહુ સજાગ છે. આ વાયરસ સામાન્ય રીતે બહુ ખતરનાક નથી હોતો. ૮૦ ટકા લોકોમાં સામાન્ય લક્ષણો વાળો હોય છે તેમ છતાં લોકો પોતે તપાસ કરાવવા આવી રહ્યા છે. લક્ષણો પર ધ્યાન આપીને સારવાર માટે પહોંચી રહ્યા છે. તેમણે કહયું કે સમયસર રોગની ખબર પડી જવી અને સારવાર શરૂ થઇ જવાથી કોઇપણ રોગની અસર ઓછી કરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં રોજના સરેરાશ પ૦૦૦ સેમ્પલ ટેસ્ટ થાય છે. એટલે કેસ વધારે આવે છે પણ સારવાર સમયસર શરૂ થવાથી મૃત્યુઆંક ઓછો છે. ઉપરાંત દિલ્હીમાં મેડીકલ ઇન્ફાસ્ટ્રકચર સારૂ હોવાથી પણ અહીંના લોકોને તેનો લાભ મળે છે.

(11:24 am IST)