Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાક. સેના પ્રમુખ

કાશ્મીરને વૈશ્વિક મુદ્દો બનાવવામાં અમે નિષ્ફળ, ભારત સફળ

ઇસ્લામાબાદ, તા.૨૬: પાકિસ્તાનનાં આર્મી પ્રમુખ કમર જાવેદ બાજવાએ ઈદનાં તહેવાર પર એલઓસીની પાસે સ્થિત પૂના સેકટરની મુલાકાત લીધી. આ મુલાકાતમાં તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવત કહ્યું કે પાકિસ્તાન કશ્મીરને એક વૈશ્વિક મુદ્દો બનાવવામાં અસફળ રહ્યું છે. જયારે ભારત વિશ્વને પોતાની વાત રજૂ કરવામાં સફળ રહ્યું છે. જેથી વૈશ્વિક સમુદાયનું ધ્યાન કાશ્મીરમાં માનવઅધિકારનાં ઉલ્લંઘન અને હિંસાથી દૂર થયું છે. કાશ્મીર એક વિવાદિત ક્ષેત્ર છે અને જો કોઈએ રાજનીતિક અને સૈન્ય રૂપે પડકારો કર્યાં તો તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે. થોડા ઘણાં સમયથી સીમાપાર ઘૂસણખોરીમાં વધારો થયો છે.

કાશ્મીરમાં ૩ મેનાં રોજ થયેલ મૂઠભેડમાં ભારતીય સેનાનાં કર્નલ આશુતોષ સહિત ૫ જવાનો શહીદ થયા બાદ ભારતે કડક વલણ દાખવ્યું છે. મે મહિનામાં સુરક્ષાબળનાં ૩ મોટા હુમલા થઈ ચૂકયા છે. જાણવા એ પણ મળ્યું છે કે ભારતની કડક કાર્યવાહીને લીધે ડરીને પાકિસ્તાન એરફોર્સે તેની સીમાની સુરક્ષા વધારી દીધી છે. જે કારણોસર બાજવા એલઓસીની મુલાકાતે ગયા હતા. બાજવાનાં જણાવ્યા અનુસાર, ભારત સરકારે જમ્મુ-કાશ્મીર પાસેથી રાજયનો દરજ્જો છીનવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે. જોકે તે નૈતિક અને સંવૈધાનિકરૂપે યોગ્ય પણ હતું.

૧૯મેનાં રોજ શ્રીનગરમાં સુરક્ષાબળોએ ડાઉનટાઉન વિસ્તારમાં હિજબુલ મુજાહિદ્દીનનાં ૨ આતંકિઓને ઠાર કર્યાં હતા. ૧૬ મેનાં રોજ સુરક્ષાબળે ડોડાનાં ખોત્રા ગામમાં હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકી તાહિરને ૫ કલાક ચાલેલ મૂઠભેડમાં ઠાર કરાયો હતો. ૬ મેનાં રોજ સુરક્ષાબળે હિજબુલ મુજાહિદ્દીનનાં ટોપ કમાન્ડર રિયાઝ નાયકુને મારી નાખવામાં આવ્યો હતો.

(11:24 am IST)