Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઇનું નિધન : અંબાજીમાં સમાધી

૭૬ વર્ષથી અન્ન - જળ ત્યાગ કરેલ : વૈજ્ઞાનિકો - ડોકટરો પણ ભેદ ઉકેલી શકેલ નહિ : અનેક સંશોધનો થયેલ

૩-૧૦-૨૦૧૮ના રોજ ચૂંદડીવાળા માતાજી પૂ. પ્રહલાદભાઇ અકિલાના આંગણે પધાર્યા હતા અને અકિલા પરિવાર ઉપર આશિર્વાદ વરસાવી લાંબો ઇન્ટરવ્યુ આપેલ. અકિલા પરિવાર વતી શ્રી અશ્વિન છત્રારા, શ્રી સુનિલ મકવાણા પૂ. માતાજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું તે નજરે પડે છે. પ્રહલાદભાઇ જાની-માતાજી સાથે ભકતો બિપીનભાઇ પટેલ, જી.એમ. પટેલ તથા અન્યો પણ અકિલાના આંગણે આવ્યા હતા. (તસ્વીરો : અશોક બગથરીયા, સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી તરીકે ભારે પ્રસિધ્ધિ પામેલા પ્રહલાદભાઇ જાની દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, અને તેમના પર અનેક સંશોધન થઈ ચૂકયા છે. ચરાળા ગામે ગતરાતે તેમણે દેહ છોડયો હતો. મંગળ અને બુધવારે પાર્થિવ દેહને જાહેર દર્શનાર્થે મુકવામાં આવ્યો છે.

ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડી રાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે ૨૮ મેના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપવામાં આવશે. છેલ્લા ૭૬ વર્ષથી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. અને વિજ્ઞાન માટે પણ તે એક કોયડા સમાન બની ગયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું.

પૂજય જય અંબે ચૂંદડીવાળા માતાજી ના દેહાવસાન થી સમગ્ર ૭૬ બ્રહ્મસમાજ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. દિવ્યાત્મા ના દુઃખદ અવસાન ને શ્રધ્ધાંજલિ આપવા અમારી પાસે શબ્દો નથી. લાગણી વ્યકત કરવા શબ્દકોશ નાનો પડે છે, આ દુઃખ ની ઘડીઓમાં આપણે સૌ સાથે મળીને દિવ્યાત્મા ના ચરણકમળ માં મસ્તક નમાવી કોટિ કોટિ વંદન કરીએ છીએ. તેમ ભાવિકો જણાવે છે.

અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભકિત કરી રહ્યા હતા. છ ભાઇઓ, એક બહેન સહિત ૨૫ થી ૩૦ વ્યકિતઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી હતા. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઇ જાનીએ બાલ્ય અવસ્થામાં ૧૪ વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમાં આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર ૯૧ વર્ષની હતી.

માતાજીનું મૂળ ચરાડા ગામ (તાલુકો માણસા)ના વતની. ચુંદડીવાળા માતાજીની સમગ્ર દેશની સાથે ડોકટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજીએ છેલ્લા ૭૬ વર્ષથી નથી ખાધું કે નથી પીધું. આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ઉપર રહેતા હતા તેમ લાગતુ. ચુંદડીવાળા માતાજી એક સંન્યાસીનું જીવન જીવતા જોવા મળેલ.

ચુંદડીવાળા માતાજીનું મહાત્મ્ય એટલું મોટું હતું. કે લોકો દૂર-દૂરથી આવતા. સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જએ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ રહેલ.

ચૂંદડીવાળા માતાજીની ૨૮મીએ સમાધિ - વિધિ માટે તૈયારીઓ

પૂ. માતાજી અંબાજી ગબ્બર પર્વત પાસે નિવાસ સ્થાન બનાવીને રહેતા. પ્રહલાદભાઇ જાનીએ ચુંદડીવાળા માતાજી તરીકે અરવલ્લીની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધૂણી ધખાવી હતી. તેમણે તેમના વતન ચરાડામાં અંતિમ શ્વાસ લીધા. મંગળ અને બુધવારે પાર્થિવ દેહને જાહેર દર્શનાર્થે મુકવામાં આવ્યો છે.

માતાજીની ૨૮મીએ સમાધિની વિધિ થશે તેની તૈયારીમાં સંતો - મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ કાર્યરત બન્યા છે. ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખો ભકતો ધરાવતા ચુંદડીવાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે રહી શકયા તે વિજ્ઞાન માટે હંમેશ પડકારજનક હતું.(૨૧.૩)

અલૌક્કિ વ્યકિતત્વ

.   ચુંદડીવાળા માતાજી મહેસાણાના ચરાડા ગામના વતની હતા

.   ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદ જાની હતું

.   ૧૨ વર્ષના હતા ત્યારથી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો

.   ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની નહોતા લેતા અન્ન-જળ

.   છેલ્લા ૭૬ વર્ષથી અન્ન-જળ વિના જીવતા હતા

.   માતાજીએ પોતાની મૂર્તિની જીવતે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી

.   ચુંદડીવાળા માતાજી પર વૈજ્ઞાનિકોએ પણ કર્યા હતા પરિક્ષણ

.   ચુંદડીવાળા માતાજી એક ચમત્કારનો ભાગ કહી શકાય

.   ચુંદડીવાળા માતાજી કઈ રીતે ભુખ્યા રહેતા તે એક રહસ્ય હતું

.   ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ઘા હતી

.   ૨૦૦૫-૦૬માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું

.       પ્રહલાદ જાનીએ મા અંબાજીના ઉપાસક હોવાનો દાવો કર્યો હતો

(10:31 am IST)