Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ટાઇલ્સની આયાત પર કડક કાર્યવાહી કરવાની તૈયારી: ચીન સહિતના દેશોને લાગશે આંચકો

ચીન, તાઇવાન અને વિયેતનામમાંથી ચોક્કસ પ્રકારની ટાઇલ્સની આયાત સામે એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ

નવી દિલ્હી : ભારતે ચીન, તાઇવાન અને વિયેતનામમાંથી ચોક્કસ પ્રકારની ટાઇલ્સની આયાત સામે એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી છે. આ ટાઇલ્સનો ઉપયોગ રહેણાંક અને વ્યાપારી ઇમારતોમાં ફ્લોરિંગ માટે થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (DGTR), વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખાએ સ્થાનિક કંપનીઓની ફરિયાદોને પગલે ‘વિનાઇલ ટાઇલ્સ’ના કથિત ડમ્પિંગની તપાસ શરૂ કરી છે.

DGTRની સૂચના અનુસાર, વેલસ્પન ઈન્ડિયા લિમિટેડ, વેલસ્પન ફ્લોરિંગ લિમિટેડ અને વેલસ્પન ગ્લોબલ બ્રાન્ડ્સ લિમિટેડે ચીન, તાઈવાન અને વિયેતનામથી આયાત કરવામાં આવેલી ચોક્કસ ટાઇલ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવા માટે ડિરેક્ટોરેટ સમક્ષ અરજી કરી હતી. અરજદારોએ આક્ષેપ કર્યો છે કે આ દેશોમાંથી આયાત કરવામાં આવતી પ્રોડક્ટના ડમ્પિંગથી સ્થાનિક ઉદ્યોગને અસર થઈ રહી છે.

ડિરેક્ટોરેટ જનરલે જણાવ્યું હતું કે, “ડોમેસ્ટિક ઉદ્યોગ દ્વારા પ્રમાણિત લેખિત અરજી અને ડમ્પિંગ અંગે ઉદ્યોગ દ્વારા સબમિટ કરાયેલા પ્રથમદર્શી પુરાવાના આધારે સંતુષ્ટ થયા પછી ટાઇલ્સની આયાત સામે એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરવામાં આવી છે.”

જો એવું પ્રસ્થાપિત થાય કે ડમ્પિંગને કારણે સ્થાનિક કંપનીઓને નુકસાન થયું છે, તો DGTR તેની આયાત પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરશે. જો કે અંતિમ નિર્ણય નાણા મંત્રાલય લેશે. નોંધપાત્ર વાત એ છે કે, ચીન સહિત ઘણા દેશોમાંથી સસ્તી આયાતનો સામનો કરવા માટે ભારત પહેલાથી જ ઘણા ઉત્પાદનો પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી ચૂક્યું છે.

(10:01 pm IST)