Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બેંક કૌભાંડમાં ૨૭મીએ ઈડી સમક્ષ શરદ પવાર ઉપસ્થિત રહેશે

દિલ્હી સરકાર સામે કોઈ કિંમતે ઝુકશે નહીં : શરદ પવાર : મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડના મામલામાં આરોપોના પવારે જવાબો આપ્યા : સરકાર પર આકરા પ્રહારો કર્યા

મુંબઈ, તા. ૨૫ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પોતાના ઉપર મુકવામાં આવેલા મહારાષ્ટ્ર સહકારી બેંક કૌંભાડના આરોપોનો આજે જવાબ આપ્યો હતો. મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે, તમામ પ્રકારની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પોતે ઈડીની ઓફિસમાં જઈને તપાસ માટે સહકાર કરશે. શરદ પવારે કહ્યું હતું કે, અમે છત્રપતિ શિવાજીની વિચારધારાને માનનાર લોકો છીએ. અમે દિલ્હી શાસનની સામે ક્યારેય ઝુકીશું નહીં. શરદ પવાર સહિત ૭૦ લોકો સામે ઈડી દ્વારા મનીલોન્ડિંગ સહિતના અન્ય મામલાઓમાં કેસ દાખલ કર્યો છે. આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાના આ કૌભાંડમાં પહેલા મુંબઈ પોલીસ તરફથી પણ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. પવારે કહ્યું છે કે, તેમને મીડિયા મારફતે એવી માહિતી મળી છે કે, કેન્દ્ર સરકારની ઈડીએ તેમની સામે કેસ દાખલ કર્યો છે.

               તેમને આ કહેવામાં કોઈ ચિંતા નથી કે, આજ સુધી કોઈ કોઓપરેટિવ બેંક અથવા બેંકના સંસ્થાગત સભ્ય તરીકે રહ્યા નથી. બેંકના સંદર્ભમાં જે તપાસ શરૂ થઈ છે તે તપાસ કરનાર એજન્સીને અધિકાર તરીકે છે. તેમને જે પુરાવાની જરૂર છે તેમાં સહકાર કરવા માટે તૈયાર છે. પવારે એમ પણ કહ્યું હતું કે, અગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. આવી સ્થિતિમાં તેઓ મોટાભાગના સમયમાં જિલ્લામાં જ રહેશે પરંતુ તપાસ માટે ઉપસ્થિત રહેશે. પવારે ઉમેળ્યું હતું કે, આવી સ્થિતિમાં તપાસ કરનાર એજન્સીને તેમની ઉપસ્થિતિની જરૂર હશે તો એવી કોઈ ગેરસમજમાં ન રહે કે તેઓ ઉપસ્થિત થઈ શકશે નહીં. પવારે જાહેરાત કરી હતી કે, ૨૭મી સપ્ટેમ્બરના દિવસે બપોરે ૨ વાગે ઈડીની ઓફિસમાં તેઓ પોતે ઉપસ્થિત થઈ જશે.

             જે તપાસ કરવાની છે તેને લઈને ઉપસ્થિત થનાર છે. પવારે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં જે સરકાર છે તેનાથી ભયભીત નથી. તેમણે કહ્યું હતું કે, મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડ મામલામાં કોર્ટમાં રજુ કરવામાં આવેલા તથ્યોના આધાર પર શરદ પવાર અને અન્ય આરોપીઓ પર એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાના આ મામલામાં મુંબઈ પોલીસે ગયા મહિનામાં જ એક એફઆઈઆર દાખલ કરી હતી. વર્ષ ૨૦૦૭થી લઈને ૨૦૧૧ વચ્ચે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના અન્ય અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. શરદ પવાર અને અન્યોની સામે કૌભાંડના સંદર્ભમાં મનીલોન્ડિંગના કેસમાં તપાસ બાદ આજે પાર્ટીના કાર્યકરોએ ઈડીની ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. પોલીસે પાર્ટીના કાર્યકરોની અટકાયત પણ કરી છે. એનસીપીના યુથ પાંખના લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

(7:49 pm IST)