Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શેરબજારમાં ઘટાડો કેમ થયો

અમેરિકામાં રાજકીય અસ્થિરતાની અસર રહી

મુંબઈ, તા. ૨૫ : શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. આજે વેચવાલી વચ્ચે સેંસેક્સમાં મોટો ઘટાડો થયો હતો. જુદા જુદા વૈશ્વિક પરિબળો વચ્ચે બીએસઇ સેંસેક્સ ૫૦૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૯૩ની નીચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૯ હજારની સપાટી ગુમાવી દીધી હતી. શેરબજારમાં મોટા ઘટાડા માટે જે કારણો જવાબદાર રહ્યા છે તે નીચે મુજબ છે.

અમેરિકામાં રાજકીય અસ્થિરતા

    અમેરિકાની રાજનિતીમાં અસ્થિરતાની અસર દુનિયાભરના દેશોમાં જોવા મળી રહી છે. આને લીધે દુનિયાના શેરબજારમાં મંદી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર ઉપર પર તેની અસર થઈ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ટ્રમ્પ ઉપર આરોપ છે કે, તેઓએ અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી પ્રમુખની ચુંટણીની પહેલા યુક્રેનના પ્રમુખ ઉપર દબાણ લાવ્યુ છે કે, તેઓ ટ્રમ્પના હરીફ જો બિડેન અને તેમના પુત્રની સામે ભ્રષ્ટાચારના મામલામાં તપાસ શરૂ કરે. જોકે, ટ્રમ્પે આ આક્ષેપોને રદિયો આપ્યો છે.

લાભની વસુલી

    છેલ્લા બે સત્રમાં શેરબજારમાં જોરદાર તેજીને લઈને રોકાણકારોએ લાભ ઉઠાવ્યો છે. આ બે સત્રમાં સેંસેક્સમાં ૩૦૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટીમાં પણ ૯૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો. પ્રોફિટ બુંકિંગનો લાભ લેવામાં આવ્યો છે.

ટ્રેડ વોર ખતમ થવાની આશાને ફટકો

    અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને ખતમ કરવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ટ્રમ્પે ચીનના કારોબારી લોકોની ગતિવિધીઓ સામે વાંધો ઉઠાવ્યો છે. જેના લીધે બંન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલને લઈને શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે, વેપાર મંત્રણા દરમિયાન કોઈ મોટી સમજુતીને સ્વીકાર કરશે નહીં કારણે કે ચીન મોટા વચનો પાળવામાં નિષ્ફળ ગયું છે.

એડીબી દ્વારા સુસ્તીના સંકેત

    એશિયન વિકાસ બેંક દ્વારા એશિયન બજારમાં ભારે સુસ્તીનો સંકેત આપવામાં આવ્યો છે. આના માટે અમેરિકા અને ચીનના ટ્રેડ વોરને જવાબદાર ઠેરવીને પ્રહારો કરવામાં આવ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ૨૦૨૦ સુધી જારી રહી શકે છે. જ્યારે દુનિયાની બાકીની અર્થવ્યવસ્થા પર તેની માઠી અસર થનાર છે.

(7:48 pm IST)