Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૫૦૪ પોઈન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

સેંસેક્સે ફરી એકવાર ૩૯૦૦૦ની સપાટી ગુમાવી દીધી : પાવર ગ્રીડના શેરમાં ચાર ટકાનો સૌથી મોટા ઉછાળો, એસબીઆઈના શેરમાં આઠ ટકા સુધીનો ઘટાડો : આઈટી સિવાય બધા સેક્ટરલ ઈન્ડેક્સમાં ઘટાડો

મુંબઈ, તા. ૨૫ : શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. આજે વેચવાલી વચ્ચે સેંસેક્સમાં મોટો ઘટાડો થયો હતો. જુદા જુદા વૈશ્વિક પરિબળો વચ્ચે બીએસઇ સેંસેક્સ ૫૦૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૯૩ની નીચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૯ હજારની સપાટી ગુમાવી દીધી હતી. અમેરિકામાં છવાયેલી રાજકીય અનિશ્ચિતા, ભારે વેચવાલી અને એશિયન વિકાસ બેંક (એડીબી) દ્વારા એશિયન અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત આપવામા ંઆવ્યા બાદ બજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. રોકાણકારોએ મોટી રકમ આજે વેચવાલી વચ્ચે ગુમાવી દીધી હતી. એનએસઇમાં નિફ્ટી ૧૪૮ પોઇન્ટ ઘટીને ૧૧૪૪૦ની નીચી સપાટી પર બંધ રહ્યો હતો. દિવસભરના કારોબારમાં સેંસેક્સે ૩૯૦૮૭ની ઉપરની અને ૩૮૫૧૧ની નીચલી સપાટી હાંસલ કરી હતી. નિફ્ટી પર કારોબાર દરમિયાન ૧૧૫૬૫ની ઉંચી સપાટી અને ૧૧૪૧૬ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન પાવર ગ્રીડ કોર્પના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. એસબીઆઇના શેરમાં સૌથી વધારે આશરે આઠ ટકાનો ઘટાડો રહ્યોહતો.

               શેરબજારમાં ૩૦ શેર પૈકી ૨૩ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આઇટી સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધારે છ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ત્યારબાદ નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકા સુધીનો અને નિફ્ટી રિયાલિટીમાં ૩.૫ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ૦.૧૩ ટકા સુધીનો સુધાર થયોહતો. બીએસઈ સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે  માત્ર સાત પોઇન્ટ સુધરીને ૩૯૦૯૭ની સપાટીએ રહ્યો હતો. આવી જ  રીતે  એનએસઈમાં બેંચમાર્ક નિફ્ટીમાં ૧૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૮૮ રહી હતી. શેરબજારમાં  હાલમાં બે દિવસની તેજીના કારણે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો હતો. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી.  નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હાલમાં સેંસેક્સમાં બે દિવસના ગાળામાં ૩૦૦૦ હજાર પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૩૫૨૧૩.૦૩ કરોડ રૂપિયા વધી જતાં બે કારોબારી સેશનમાં માર્કેટ મૂડી ૧૪૮૮૯૬૫૨.૪૪ કરોડ થઇ હતી.  ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. ગયા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી.

(7:46 pm IST)