Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ચેન્નઇ-દિલ્હી વચ્ચે ખાનગી કંપનીઓ દોડાવશે ટ્રેનો

વર્તમાન સરકાર રેલ્વે કર્મચારી સંગઠનોના અસંખ્ય મુદ્દાઓ -માંગો ઘોળીને પી ગઇ છે ત્યારે રેલ્વેના ખાનગીકરણ સામે થઇ રહેલો વિરોધ પાંગળો સાબીત થતો નજરે પડે છે

ચેન્નઇઃ રેલ્વેએ ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને આપવાની કવાયત શરૂ કરી છે. રેલ્વે બોર્ડ સુત્રોનું માનીએ તો રેલ્વેએ ચેન્નાઇથી લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન ખાનગી ક્ષેત્રની કંપનીઓને સોંપવા માટે ૧૦૦ દિવસીય એજેન્ડાને હાથ પર લીધો છે. જો કે આ બાબતે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.  રેલ્વે તંત્રએ અગાઉ સ્પષ્ટ કહયું હતું કે, ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાના મુદ્દે પહેલા રાષ્ટ્રીય ટ્રાન્સર્પોટર ટ્રેડ યુનિયનો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પરંતુ પાછલા બારણે મુખ્ય રૂટોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાનો એજેન્ડા હાથ પર લેવાઇ ગયાનું ચિત્ર ઉપસી રહયું છે.

હમણાં જ ભારતીય રેલ્વેએ પોતાની બે સૌથી શાનદાર ટ્રેન તેજસ (નવી દિલ્હી-લખનૌ અને મુંબઇ-અમદાવાદ) નું સંચાલન  આઇઆરસીટીસીને દેવાનું એલાન કર્યુ છે. રેલ્વે અધિકારીઓના કહેવા મુજબ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરોએ ર૭ સપ્ટેમ્બરના ટ્રેનોના ખાનગી સંચાલન સંબંધીત મુદ્દા નક્કી કરવા ડિવીઝનલ રેલ્વે મેનેજરોની એક બેઠક બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સરકાર રેલ્વે કર્મચારી સંગઠનોના અસંખ્ય મુદ્દાઓ  -માંગો ઘોળીને પી ગઇ છે. ત્યારે રેલ્વેના ખાનગીકરણ સામે થઇ રહેલો વિરોધ પાંગળો સાબીત થતો નજરે પડે છે.

(3:58 pm IST)