Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

આઝમ ખાનને રાહત : ૨૯ FIR પર મુકેલો પ્રતિબંધ

અલ્હાબાદ હાઈકોર્ટે આઝમને રાહત આપી : આ આધાર પર હવે સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આઝમ ખાનને અન્ય મામલાઓમાં પણ રાહત મળી શકે

પ્રયાગરાજ, તા. ૨૫ : એક પછી એક એફઆઈઆરનો સામનો કરી રહેલા સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આઝમ ખાનને આજે મોટી રાહત મળી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાનની સામે દાખલ કરવામાં આવેલી ૨૯ એફઆઈઆર પર પ્રતિબંધ મુકી દીધો છે. એફઆઈઆર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આ મામલામાં આઝમ ખાનની હવે ધરપકડ થઈ શકશે નહીં. આઝમ ખાનની સામે ખેડુતોની જમીન કબ્જે કરી લેવા, પુસ્તકોની ચોરી કરવા, અન્ય ચોરી સહિત ૮૦ મામલાઓ દાખલ કરવામાં આવી ચુક્યા છે. કોર્ટે આઝમ ખાનની એફઆઈઆર રદ્દ કરવાની માંગ ફગાવી દીધી છે. કોર્ટે રાજ્ય સરકાર, રામપુર ડીએમ અને એસએસપીને જવાબ આપવા માટે આદેશ કર્યો છે. કાર્ટે ભાજપના નેતા જયા પ્રદાને નોટિસ જારી કરીને જવાબની માંગ કરી છે. સાથે સાથે એફીડેવિટ દાખલ કરવા કરવાની પણ માંગ કરી છે. મામલાની આગામી સુનાવણી ૨૪મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

               આઝમ ખાનની સામે ૨૭ ખેડુતો અને એક રેવેન્યુ ઈન્સપેક્ટર દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આઝમ ખાનની સામે ખેડુતોની જમીન પર બળજબરી પુર્વક કબ્જો જમાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રામપુર સ્થિત જોહર યુનિવર્સિટી માટે જમીન પર કબજો કરવામાં આવી ચુક્યો છે. આઝમ ખાને કોર્ટમાંથી ધરપકડ પર સ્ટે લેવાની રજુઆત કરીને અરજી કરી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટીસ મનોજ મિશ્રા અને જસ્ટીસ મંજુ રાનીની ડિવિઝન બેંચે આઝમની અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને તેમની સામે દાખલ ૨૯ મામલાઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. એમ માનવામાં આવે છે કે આઝમને પણ અન્ય મામલાઓમાં પણ રાહત મળી શકે છે. આ પહેલા મંગળવારના દિવસે રામપુર સ્થિત આઝમ ખાનના આવાસના મુખ્ય ગેટ પર નોટીસો લગાવાઈ હતી.

(7:51 pm IST)