Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ટ્રમ્પને મળ્યા બાદ સુર બદલાયા

ઇમરાનની હવા નીકળી ગઇ : હવે ટાઢાબોળઃ કહ્યું અમે ભારત પર હુમલો કરી ન શકીએ

ન્યૂયૉર્ક,તા.૨૫: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સુર બદલાઈ ગયા છે. છેલ્લા થોડાક સમયથી ભારતને યુદ્ઘની ધમકી આપનારા ઈમરાન ખાને હવે કહ્યું છે કે તેઓ ભારત પર હુમલો ન કરી શકીએ. તેઓએ આ નિવેદન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાતચીત બાદ આપ્યું છે. સંયુકત રાષ્ટ્ર મહાસભાના સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂયૉર્ક પહોંચેલા ઈમરાન ખાને કહ્યુ કે, અમે લોકો (પાકિસ્તાન) ભારત પર હુમલા ન કરી શકે. આ કોઈ વિકલ્પ નથી.

નોંધનીય છે કે, ગયા મહિને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦  હટાવ્યા બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. ઈમરાન ખાન લગભગ દરરોજ દરેક મંચથી ભારત પર હુમલાની બોદી ધમકી આપતા રહેતા હતા. આ ઉપરાંત, તેમના મંત્રી પણ હંમેશા ભારત પર હુમલાની વાત કરતા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, અમેરિકામાં પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચેની નિકટતા જોયા બાદ ઈમરાન ખાનની અકલ ઠેકાણે આવી ગઈ છે.

એવું લાગી રહ્યું છે કે, ઈમરાન ખાને હવે એવું સ્વીકારી લીધું છે કે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની સાથે નથી. મોટાભાગના દેશ ભારતની સાથે છે. અમેરિકામાં તેઓએ કહ્યુ કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયની નિરાશ છું. જો ૮૦ લાખ યૂરોપીયન કે યહૂદી, ત્યાં સુધી કે ૮ અમેરિકનોને પણ ઘેરાબંધીમાં રાખવામાં આવ્યા હોય તો પણ શું આ જ પ્રતિક્રિયા હશે? કદાચ નહીં. કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની કોઈ વાત નથી કરી રહ્યા, પરંતુ અમે દબાણ લાવતા રહીશું.

પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યુ કે, અમે ટૂંક સમયમાં ભારતની સાથે ટ્રેડ ડીલ કરીશું. જયારે તેમને ભારતીય વડાપ્રધાન અને તેમની સાથે ટ્રમ્પની વ્યકિતગત દોસ્તી વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યુ કે, તેઓ અને ભારતના લોકો મારી બાજુમાં બેઠેલા વ્યકિત (પીએમ મોદીને) બહુ જ પસંદ કરે છે.

(3:57 pm IST)