Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પાકિસ્તાન સાથે વાટાધાટ માટે તૈયાર આતંકીસ્તાન સાથે નહીં

ન્યૂયોર્કમાં ભારતના વિદેશ બાબતોના મંત્રી જયશંકરે પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

ન્યૂયોર્ક,તા.૨૫: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં પાકિસ્તાનને આતંકવાદના મામલે રોકડું પરખાવતા જણાવ્યું કે ભારત પાકિસ્તાન સાથે વાટાદ્યાટ માટે તૈયાર છે પરંતુ આતંકીસ્તાન સાથે નહીં. જયશંકરે આક્ષેપ કરતા જણાવ્યું કે કાશ્મીર મુદ્દે ઈસ્લામાબાદે આતંકવાદનો એક ઉદ્યોગ સ્થાપી દીધો છે.

ન્યૂયોર્કમાં એશિય સોસાયટીના સાંસ્કૃતિક સંગઠનમાં હાજર જનમેદનીને સંબોધતા જયશંકરે જણાવ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવી જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા હતા તેમજ લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો હતો. આ નિર્ણય ઉપર પાકિસ્તાન અને ચીને પ્રતિક્રિયા આપી હતી.

૫ ઓગસ્ટના જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ને હટાવાતા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધો તોડી નાંખ્યા હતા. આ ઉપરાંત ભારતના ઉચ્ચાયુકતને પર બરતરફ કરાયા હતા. ચીને આ મુદ્દે ગંભીર ચિંતા વ્યકત કરતા બન્ને દેશોને સાવચેતીથી વર્તવા જણાવ્યું હતું.

જયશંકરે ન્યૂયોર્કમાં જનમેદનીને જણાવ્યું કે ભારતને પાકિસ્તાન સાથે વાટાદ્યાટ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ આતંકીસ્તાન સાથે વાતચીત કરવામાં વાંધો છે. તેમણે આમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. જયશંકરના મતે કલમ ૩૭૦ હટાવાની ભારતના પાડોશી દેશો પર કોઈ જ અસર નહીં પડે. આ ભારતનો આંતરિક મુદ્દો છે.

પાકિસ્તાનમાં આતંકવાદનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને ક્રોધમાં તે અનેક ખોટા નિવેદનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદ એ કાશ્મીર કરતા પણ મોટો મુદ્દો છે. આધુનિક યુગમાં પાકિસ્તાનનું મોડલ લાંબો સમય ટકી શકે તેવું નથી.

જમ્મુ કાશ્મીરમાં વિકાસના અભાવે અલગતાવાદ ઊભો થયો અને તેની પરાકાષ્ઠા વધતા આતંકવાદનું રૂપ લીધું છે. પાકિસ્તાને સૌપ્રથમ પોતાના માટે કંઈક સારું કરવું પડે તેમ છે અને જો તે કરશે તો પાડોશી દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી શકશે તેમ જયશંકરે જણાવ્યું હતું. ધોળા દિવસે ત્યાં આતંકના કેન્દ્રો ધમધમી રહ્યા છે, કોઈપણને પૂછો તે આ કેમ્પ વિશે જણાવશે. ગૂગલ કરીને પણ આ  વિશે જાણી શકાય છે.

(3:55 pm IST)