Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જેલમાં કેદીઓને વીઆઇપી સવલતોઃ ગજબનું કૌભાંડ

તમામ સગવડો જોઇતી હોય તો માસીક ચાર્જ ૮ લાખ રૂપિયાઃ ૧પ હજાર રૂપિયામાં સીગરેટનું પેકેટઃ ૧૨ લોકોની ધરપકડ

અજમેરઃ રાજસ્થાનની અજમેર જેલમાં ઘણા કેદીઓને બેરેકમાં ખાસ સગવડો આપવાનું કૌભાંડ એસીબીની તપાસમાં બહાર આવ્યું છે. એસીબીના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અજમેર જેલમાં કેટલાક કેદીઓને વીઆઇપી સગવડો આપવામાં આવતી હતી. અમારી તપાસમાં જાણવા મળ્યું હતુ કે બેરેક નંબરથી ૧ થી ૧પ વચ્ચે નાણાકીય રીતે સધ્ધર લોકો માટે એક ખાસ વીઆઇપી રૂમ હતો, જે ચોક દ્વારા માર્કીગ કરીને બનાવાયો હતો. આવા કેદીઓને ચોખ્ખા રૂમ, ખાસ ખોરાક, ચોખ્ખા કપડા જેવી સવલતો આપવામાં આવતી હતી. આ રૂમ માટે કેદીઓ પાસેથી ૮ લાખ રૂપિયા માસિક ભાડું લેવામાં આવતુ હતું.

અધિકારીએ ઉમેરતા જણાવ્યું કે જેલ સ્ટાફનો વચેટીયો માણસ કેદીના સગાઓ પાસેથી જેલની બહાર ઉઘરાણું કરતો હતો. જયારે અમુક કેદીના સગાઓ જેલામાં આવીને રોકડ અથવા ઓનલાઇન ચુકવણું કરતા હતા. આ કૌભાંડમાં સંડોવાયેલ લોકોના બેંક ખાતાઓથી ચુકવણું કરતા હતા. આ કૌભાંડમાં સંડોવાયેલ લોકોના બેંક ખાતાઓની માહિતી આપવા અમે બેન્કોને લખ્યું છે અને ૧૮ ખાતાઓ સીલ કરાયા છે.

બીજા એક એસીબી અધિકારીએ જણાવ્યું હતું કે કેદીના સગાઓ તમાકુ, સીગરેટ જેવી ચીજો માટે પણ પૈસા ચુકવતા હતા. તેણે કહ્યું કે સીગરેટના એક પેકેટના ૧૨ થી ૧પ હજાર અને તમાકુની એક પડીકીના ૩૦૦ થી ૫૦૦ રૂપિયા જેવા ભાવ હતા.

આ વર્ષના જુલાઇમાં એસીબી દ્વારા આ કૌભાંડ બહાર આવ્યું હતું. અત્યાર સુધીમાં ૧૨ લોકોની ધરપકડ થઇ છે. જેમાં બે જેલર, બે કેદીઓ, બે વોર્ડન, વચેટીયા વગેરેનો સમાવેશ થાય છે.

(1:06 pm IST)