Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પૂ. મોરારીબાપુના પ્રવચનોમાં નવિન્યપૂર્ણ વાત હોય છેઃ રામનાથ કોવિંદજી

નવી દિલ્હીમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભઃ આજે બીજા દિવસે દલાઇ લામા, રામદેવજી મહારાજ સહિતની ઉપસ્થિતીઃ 'સર્વધર્મ સંગમ'કાર્યક્રમ યોજાયો

દિલ્હી ખાતે ગઇકાલથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામ કથા નો પ્રારંભ થયો છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ના હસ્તે  શ્રી રામ કથા નું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કાલે પ્રથમ દિવસે સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવ્યુ. જ્યારે કાલે ગુરૂવાર થી બીજી ઓકટોબર સુધી દરરોજ સવારે ૯: ૩૦ થી બપોરના ૧:૩૦ સુધી પૂજ્ય મોરારીબાપુ શ્રી રામકથા રસપાન કરાવશે હરિજન સેવક સંઘ ગાંધી આશ્રમ  મહર્ષિ વાલ્મીકી આશ્રમ નવી દિલ્હી ખાતે શ્રી રામ કથાનુ ભવ્ય આયોજન કરાયું છે. નીચેની તસ્વીરમાં  'સર્વ ધર્મ સંગમ'કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મગુરૂઓ નજરે પડે છે.

વેળાવદર તા.૨૫: ગાંધીજીની સાધૅ શતાબ્દી હવે અંતિમ તબક્કામાં છે. પૂજ્ય મોરારી બાપુના સંકલ્પ મુજબ ગાંધીજીની સ્મૃતિમાં એક કથા અમદાવાદમા ,એક ગાંધીઆશ્રમ દિલ્હીમાં યોજવાનો મનોરથ આજે  રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના વરદ હસ્તે દીપ પ્રજવલનથી મંગલ પ્રારંભ થયો.

દિવ્ય, ભવ્ય અવસરના સાક્ષી બનવા ભારતના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ, પરમાર્થ નિકેતન ના પુ.સ્વામી ચિન્મયાનંદજી તથા ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત હતા. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રો.ડો.શંકરકુમાર સાન્યાલે જણાવ્યું કે આશ્રમમાં કસ્તુરબા,સરદાર પટેલ ,જવાહરલાલ નેહરૂજી,  સુભાષચંદ્ર બોઝ અને અનેક સત્યાગ્રહીઓના પાવન પગલાંઓ પડ્યાં છે. તે તીર્થ ભૂમિમાં આજે દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. પૂ. મોરારી બાપુનો સંસ્થા વિશેષ આભાર પ્રગટ કરે છે કે તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય આપી આ ભૂમિને પાવન કરી .પર્યટન મંત્રી શ્રી પ્રહલાદસિહ પટેલે રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે ગાંધીકવિઝ એપ્લીકેશનનું લોકાર્પણ કરાવ્યું. પૂ.બાપુની કથાથી આ ભૂમિ વધુ ચેતનવંતી બનશે તેવો તેમણે આશાવાદ વ્યકત કર્યો.

પ્રાસંગિક સંબોધનમાં  રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી એ કહ્યું કે હરિજન સેવક સંઘ વર્ષોથી ગ્રામીણ, જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય ,સમાજસેવા કરે છે તે અભિનંદનીય છે. મારી પહેલાના અનુગામી શ્રી કે.આર નારાયણને આજ સંસ્થાની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું .આજે એક બાપુની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીથી પ્ર-વાહિત થવા જાય છે, તે એક સુખદ અનુભવ છે ,આજે અહીં મેં ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ જોયું,પુ. બાપુના પ્રવચનોમાં નાવિન્યપૂર્ણ વાત હોય છે, તેનો મે અનુભવ કર્યો છે.જ્યારે કથા વિરામ પામશે ત્યારે બીજી ઓકટોબરે એક સ્વચ્છ ભારતનો સંકલ્પ પૂરો થશે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

પૂ. મોરારીબાપુએ પોતાની વાણીને પ્રવાહિત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિની શાલીનતા, વિવેકની પ્રશંસા કરવી પડે.બિહારના રાજ્યપાલ આપ હતાં ત્યારે પણ આપની સાથે સંગોષ્ઠી થયેલી. ગાંધીજીના જીવન પ્રસંગો ટાંકીને પૂજ્ય બાપુએ તેમના હાજર જવાબી પણુ ઘોષિત કર્યું . કિષ્કિંધા કાંડની પંકિતઓને પ્રમુખતા આપીને તેને કથાના કેન્દ્રમાં મૂકવામાં આવી. રામચરિતમાનસમાં નવ વખત હરિજન શબ્દ નો ઉપયોગ થયો છે એ તે પૂર્ણાંક છે .હરિજન એટલે ભાગવતજન, ભકતજન એવો અર્થ થાય છે તેને કોઈ સંકીર્ણતામાં ન લઈ જાય.ગણેશ ,સૂર્ય , વિષ્ણુ,દુર્ગા ,શિવના મહત્ત્વને ઉજાગર કરી તેની મહત્તા સ્થાપિત કરવા પર ભાર મૂક્યો. ગણેશજી -વિવેક સૂર્ય -અજવાળું અને દિવ્યતા , વિષ્ણુ-વિશાળતા ,દુર્ગા -શ્રદ્ધાતથા શિવ- કલ્યાણભાવનો મહામંત્ર આપે છે.હનુમંતવંદનાથી કથા પુર્ણ થઈ હતી.

   દિલ્હીની આ રામકથા ગાંધીજયંતિ બીજી ઓકટોબરના રોજ  દિવસે વિરામ પામશે.

આજે શ્રીરામ કથાના બીજા દિવસે દલાઇ લામા, રામદેવજી મહારાજ સહિત સંતોની ઉપસ્થિતીમાં 'સર્વધર્મ સંગમ'કાર્યક્રમ યોજાયો હતો.

(1:04 pm IST)