Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જજોની નિયુકતી અને બદલીના મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની વકીલો નારાજ

રાજસ્થાન બાર કાઉન્સીલના વકીલોમાં વિરોધઃ સુપ્રિમના ચીફ જસ્ટીશ રંજન ગોગોઇને પત્ર પાઠવ્યોઃ જસ્ટીશ વિજયા અને જસ્ટીશ અકિલ કુરેશીના મામલે વકીલોએ સવાલો ઉઠાવ્યાઃ સરકારનો વધી રહેલ ચંચુપાતઃ સીનીયરોની અવગણના કરી જુનીયર જજોની નિમણુંકો કરાઇ રહી છે

જયપુર તા. રપ :.. ઉચ્ચ ન્યાયાધીશોની અચાનક અને રહસ્યમય રીતે કરવામાં આવતી બદલીઓના મામલે અત્રેના વકીલોએ નારાજગી વ્યકત કરી છે. ખાસ કરીને જસ્ટીશ વિજયા કે તાહિલ રમાની અને જસ્ટીશ અકીલ કુરેશીના મામલે વકીલ મંડળે સવાલો ઉઠાવ્યા છે.

મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિજયા તાહિલ રમાની એ આપેલ રાજીનામુ અને જસ્ટીશ અકિલ કુરેશીને મધ્ય પ્રદેશને બદલે ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય જસ્ટીશ બનાવવાની ભલામણ ઉપર બેગ્લુરૂ એડવોકેટ એસોસીએશને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ રંજન ગોગોઇને પત્ર પાઠવેલ છે.

આ પત્રમાં વકીલ મંડળે સવાલ ઉઠાવ્યો છે કે, કોલેજીયમ સીસ્ટમ હેઠળના નિર્ણય પાછળ જજોની નિયુકતી અને બદલીઓના નિર્ણયોમાં કેન્દ્ર સરકારનો સ્પષ્ટ ચંચૂપાત અને હસ્તક્ષેપ દેખાઇ રહયો છે. તેથી જ જસ્ટીશ વિજયાએ કર્ણાટકના જસ્ટીશ જયંત  પટેલની જેમ રાજીનામુ આપી દીધું છે.

જસ્ટીશ પટેલની સીનીયોરીટી હોવા છતાં તેનું નામ નહિ સુચવાયું હોવાના કારણે રાજીનામુ આપી દીધેલ છે. જયારે જસ્ટીશ તાહિલ રમાનીને મેઘાલય ખાતે મોકલવામાં આવતાં રાજીનામુ આપી દીધેલ હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ પ્રદિપ નંદ્રાજોગને ગયા વર્ષે સુપ્રિમે કોર્ટમાં મોકલવાની વાત હતી છતાં થોડાક સમયમાં જ તેમનાથી સીનીયોરીટીમાં પાછળ એવા જસ્ટીશ સંજીવ ખન્નાને સુપ્રિમ કોર્ટના જજ બનાવી દેવાયા હતાં. રાજસ્થાન બાર કાઉન્સીલે ન્યાયાધીશોની આ રીતે થઇ રહેલ નિયુકતી અને બદલીઓના મામલે વિરોધ ઉભો કર્યો હતો.

(11:29 am IST)